અરવલ્લીમાં નશાના કારોબારીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. માલપુરના મોરડુંગરી નજીક LCB પોલીસ અને પોશડોડાની ગેરકાયદે હેરાફેરી કરતા આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસે જવાબી કાર્યવાહીમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં એક આરોપીને પગમાં ગોળી વાગતાં તે ઝડપાયો છે, જ્યારે તેનો સાથી ફરાર છે.
આજે વહેલી પરોઢે અરવલ્લીના માલપુર નજીક મોરડુંગરી વિસ્તારમાં ફાયરિંગથી ચકચાર મચી ગઈ હતી. LCB પોલીસને બાતમી મળી હતી કે, એક ફોર્ચ્યુનર કારમાં મોટી માત્રામાં પોશડોડા લઈ જવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે મોરડુંગરી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ યુ-ટર્ન મારી પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ પછી LCBની ટીમે જવાબી કાર્યવાહી કરી હતી અને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક આરોપીના પગના ભાગે ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે બીજો આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે ફોર્ચ્યુનર કારની તલાશી લેતાં તેમાંથી 500 કિલોથી વધુ પોશડોડા મળી આવ્યા હોવાનું અરવલ્લી SPએ જણાવ્યું છે. સાથે જ પોલીસે બે માઉઝર પિસ્તોલ અને એક મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે.
ફાયરિંગ દરમિયાન LCB PI એમ.એચ. ઝાલા, PSI પી.પી. સોલંકી અને ASI કલ્પેશસિંહને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ નાર્કોટિક્સ ભરેલી ગાડી જવાની બાતમીના આધારે પોલીસ વોચમાં હતી. શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ થતાં આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પોલીસે જવાબી ફાયરિંગ કર્યું હતું.
માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરીના આ સમગ્ર મામલામાં ફરી એકવાર બિશ્નોઈ ગેંગનું નામ સામે આવી રહ્યું છે. બિશ્નોઈ ગેંગ દ્વારા પોશડોડાની હેરાફેરી વધુ ઘાતક બની રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
હાલ સમગ્ર મામલે પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોશડોડાની હેરાફેરીમાં બિશ્નોઈ ગેંગનું કનેક્શન સામે આવ્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે.
