અધિકારી સાથે ‘વહીવટ’ કરવાના બહાને સરકારી ફી ઉપરાંત રૂા.2120ની લાંચ માંગી હતી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટિફિકેટ કાઢી આપવા માટે સરકારી ફી ઉપરાંત લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા આજે છટકું ગોઠવી આર.ટી.ઓ એજન્ટ એજન્સીના બે શખ્સોને રૂૂ.2120ની લાંચની રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર, (જામ ખંભાળિયા) નામની એજન્સી ખાનગી પેઢીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન આરોપી ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણીએ ફિટનેસ સર્ટિફિકેટ માટેની રૂૂ.1500ની સરકારી ફી ઉપરાંત રૂૂ.2000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા આજે ખંભાળિયાના એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપી નં.1એ ફરિયાદીને ફી સહિત કુલ રૂૂ.3500 આપવા જણાવ્યું હતું. ફરિયાદીએ રૂૂ.3500 આપતાં આરોપીએ તેમાંથી રૂૂ.1380 ફી પેટે રાખી બાકીની રૂૂ.2120ની રકમ લાંચ તરીકે સ્વીકારી હતી. આ દરમિયાન એ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી આરોપી ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણી, ઉંમર 33 વર્ષ, એમ.જે. એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર, ખંભાળિયામાં મેન્યુઅલી વાહન ચેકિંગનું કામ કરતો તથા કુલદીપસિંહ મહિપતસિંહ વાઢેર, ઉંમર 19 વર્ષ, લાઇન ઓપરેટર તરીકે ફરજ બજાવતો, બંનેને ઝડપી લીધા હતા. બંનેએ એકબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
છટકા દરમિયાન લાંચની માંગણી કરાયેલી રૂૂ.2120ની રકમ તથા સ્વીકારાયેલી સમગ્ર રકમ એ.સી.બી. દ્વારા રિકવર કરવામાં આવી હતી. આ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આઈ. મંધરાની આગેવાની હેઠળ જામનગર એ.સી.બી. સ્ટાફની મદદથી હાથ ધરવામાં આવી હતી.
