રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લા કક્ષાની સાત મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ભવ્ય માહોલમાં યોજાઈ હતી. આ સંયુક્ત સભામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ., રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટિંગ યુનિયન લિ., રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લિ. તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લિ.ના કર્મચારીઓની ધિરાણ મંડળી સામેલ થઈ હતી.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા સહિતના અગ્રણી સહકારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભાને સંબોધતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના સહકારી માળખાને આ ઊંચાઈએ પહોંચાડવામાં સ્વ. વલ્લભભાઈ પટેલ અને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાનો સિંહફાળો રહ્યો છે. સમગ્ર દેશમાં ટૂંકી મુદતનું અને 0% વ્યાજે ધિરાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં થયો હતો, જેના પરિણામે આજે પણ 2.50 લાખ ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ મળી રહ્યું છે. વર્ષ 2025ની સાધારણ સભામાં બેંકની ડિપોઝિટ 9,770 કરોડ હતી, જે આજે વધીને 11,400 કરોડ પર પહોંચી ગઈ છે. ચાલુ વર્ષે ₹7,213 કરોડનું ધિરાણ 0% દરે આપવામાં આવ્યું છે, જ્યારે અકસ્માત વીમા માટે 15 કરોડનું પ્રીમિયમ બેંકે જાતે ભર્યું છે. બેંકે ₹200 કરોડથી વધુનો નફો નોંધાવી મંડળીઓને 15% ડિવિડન્ડ ચૂકવ્યું છે.
જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, લાખો ખેડૂત સભાસદોના વિશ્વાસના બળે રાજકોટ જિલ્લા સહકારી બેંક આજે પ્રગતિના શિખરો સર કરી રહી છે. વર્ષ 2025માં બેંકની ડિપોઝિટ રૂૂ. 9,770 કરોડ હતી,
જે વર્ષ 2026માં વધીને રૂૂ. 11 હજાર કરોડ થઈ છે. આમ, એક જ વર્ષમાં રૂૂ. 01 હજાર કરોડનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ 0% વ્યાજે કે.સી.સી. ધિરાણ આપવાની વ્યવસ્થા રાજકોટ જિલ્લા સહકારી બેન્કે કરી હતી. ગુજરાતમાં ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર સાકાર થયો છે. ગ્રામીણ અર્થતંત્રના વિકાસથી લઈને ખેડૂતો અને પશુપાલકોના સશક્તિકરણ સુધી, સહકારી પ્રવૃત્તિઓ ક્ષેત્રે ગુજરાત આજે સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી રોલ મોડેલ બન્યું છે.
રાજકોટ ડેરીનું ટર્નઓવર 4 ટકા વધીને 1189 કરોડ
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.નું વાર્ષિક ટર્નઓવર રૂૂ. 1198 કરોડ થયો છે, જેમાં ગત વર્ષની સરખામણીએ 4 ટકાનો વધારો નોંધાયો છે. સને 2025-26માં સંઘનો કાચો નફો રૂૂ. 90 કરોડ થયો છે, જેમાંથી પશુપાલકોને ભાવફેર અને ઇન્કમટેક્સની જોગવાઈ કરતા ચોખ્ખો નફો રૂૂ. 11.48 કરોડ થયો છે. દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂૂ. 81 લેખે રૂૂ. 75 કરોડની રકમ ઐતિહાસિક અંતિમ દૂધ ભાવ તરીકે ચૂકવવામાં આવી છે, જે ગત વર્ષ કરતા 29 ટકા વધુ છે. સભાસદ મંડળીઓને 20 ટકા લેખે રૂૂ. 5.71 કરોડ શેર ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરાઈ છે.
’વિઠ્ઠલભાઈના છોડને જયેશભાઈએ વટવૃક્ષ બનાવ્યો’: શંકર ચૌધરી
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંબોધનમાં જણાવ્યું કે, “હું જ્યારે બનાસ બેંકનો ચેરમેન બન્યો ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા પાસેથી પ્રેરણા લીધી હતી. તેમણે વાવેલા વૃક્ષને આજે જયેશભાઈએ વટવૃક્ષ બનાવ્યું છે.” સહકારી રાજકારણ અંગે સૂચક ટકોર કરતાં તેમણે ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રના નેતા એકાદ-બે કે પાંચ વર્ષમાં બની શકાતું નથી, તેના માટે પોતાની જાત ઘસીને લોકો માટે જીવવું પડે છે અને ગામથી લઈને જિલ્લા સુધી સિંચન કરવું પડે છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ખેડૂતો અને મંડળીઓ માટે 6 મોટી જાહેરાતો
75 કરોડનું વ્યાજ માર્જિન
વર્ષ 2026-27ના 5,000 કરોડના કે.સી.સી. ખરીફ ધિરાણ પર મંડળીઓ માટે 1.50% વ્યાજ માર્જિન જાહેર કરાયું, જેની કુલ રકમ 75 કરોડ થશે.
કૃષિ તત્કાલ લોન મર્યાદા વધી
ટર્મ લોન ખેતી વિષયક “કૃષિ તત્કાલ લોન” એકરે 80,000 કરી મહત્તમ મર્યાદા 7 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી.
કૃષિ વિકાસ લોન મર્યાદા વધી
“કૃષિ વિકાસ લોન” એકરે 60,000 કરી મહત્તમ મર્યાદા 4 લાખથી વધારીને 6 લાખ કરાઈ.
મંડળી મંત્રીઓને 10,000 પ્રોત્સાહન
કેન્દ્ર સરકારની ’સહકાર સે સમૃદ્ધિ’ યોજના હેઠળ નવીન કામગીરી અને સોફ્ટવેર ડેટા એન્ટ્રી બદલ લોન મેળવતી દરેક મંડળીના મંત્રીને 10,000 પ્રોત્સાહક રકમ અપાશે.
PACS કેશ ક્રેડિટ લોન
ખાતર, બિયારણ અને આનુષંગિક વ્યવસાયની વર્કિંગ કેપિટલ માટે મંડળીઓને 9.50% વ્યાજ દરે 25 લાખની કેશ ક્રેડિટ યોજના જાહેર કરાઈ, જેમાં રાજ્ય સરકાર 5% વ્યાજ સહાય આપશે.
નવા KCC જોડાણ માટે 25 લાખનું ઈન્સેન્ટિવ
વધુમાં વધુ ખેડૂતોને કેસીસી હેઠળ આવરી લેવા માટે વર્ષ 2027-28માં મંડળીઓના સ્ટાફને પ્રોત્સાહિત કરવા અંદાજે 25 લાખનું ઈન્સેન્ટિવ ફાળવાશે.
