ગોંડલના હડમતાળા જીઆઇડીસીમાં આવેલી પારમેકસ ફાર્મા કંપનીમાં મધરાતે અચાનક આગ ભભુકી હતી. જેમાં બે કર્મચારી દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ, ગોંડલ અને શાપર-વેરાવળના સાત ફાયર ફાયટરોએ ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર વિભાગના જવાનોએ અલગ-અલગ દિશામાંથી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમોને ચાર કલાકથી પણ વધુ સમય સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. લાંબી કામગીરી બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, કંપનીના પ્રોડક્શન વિભાગમાં આગ લાગી હતી. આ ઘટનામાં કંપનીના બે કર્મચારી અશ્વિન વજેરામ દુધરેજીયા (ઉ.વ.41) અને મનીશ રમેશ ચાવડા (ઉ.વ.28) દાઝી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. આગના કારણે કંપનીમાં કેટલું નુકસાન થયું છે તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સંબંધિત વિભાગ દ્વારા આગના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
