સ્પા અને હોટેલની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો

હોટેલ વિનસમાં દરોડો: મેનેજર અને દલાલ ઝડપાયા, સૂત્રધાર ફરાર: મુનલાઇફ સ્પામાંથી ચાર યુવતીઓ મુક્ત, સંચાલક અને રિસેપ્શનિસ્ટની ધરપકડ રાજકોટ શહેરમાં મસાજ સ્પા અને હોટેલોની આડમાં…

હોટેલ વિનસમાં દરોડો: મેનેજર અને દલાલ ઝડપાયા, સૂત્રધાર ફરાર: મુનલાઇફ સ્પામાંથી ચાર યુવતીઓ મુક્ત, સંચાલક અને રિસેપ્શનિસ્ટની ધરપકડ

રાજકોટ શહેરમાં મસાજ સ્પા અને હોટેલોની આડમાં ધમધમતા દેહ વ્યાપારના દૂષણ સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસીયાની સૂચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને ’એ’ ડિવિઝન પોલીસે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને મુનલાઇફ સ્પા અને હોટેલ વિનસમાંથી ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. આ બંને સફળ કામગીરી દરમિયાન પોલીસે પાંચ પીડિત મહિલાઓને મુક્ત કરાવીને સંચાલકો તથા દલાલોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એએચટીયુ ટીમના પીઆઈ પી. એન. પઢિયારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ. પી. ચૌહાણ અને ટીમે મવડી ચોકડી નજીક આવેલા રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સના બીજા માળે ‘મુન લાઇફ ફેમિલી વેલનેસ સ્પા’માં ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રૂૂમમાંથી ડમી ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાઈ ગયા હતા. સ્પામાંથી દિલ્હી, યુપી, બંગાળ અને રાજકોટની ચાર મહિલાઓને કૂટણખાનાના નરકમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી સ્પા સંચાલક હર્ષ જયેન્દ્રભાઈ રાજદેવ (ઉં.વ. 22) અને મહિલા રિસેપ્શનિસ્ટ અલકાબેનની ધરપકડ કરી હતી, જ્યારે તેના ભાગીદાર ધ્રુવ રાજદેવની શોધખોળ શરૂૂ કરી છે. અહીં ગ્રાહકો પાસેથી ₹1,000 એન્ટ્રી ફી અને શારીરિક સંબંધ માટે ₹2,500 વધારાના ઉઘરાવવામાં આવતા હતા. પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજી તરફ ’એ’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.વી.વાઢિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ. આર. ચાવડાની ટીમે સાંગણવા ચોક નજીક આવેલી હોટેલ વિનસમાં ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રૂૂમ નં.-203 માંથી મહિલા અને ડમી ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે દિલ્હી પંથકની એક યુવતીને મુક્ત કરાવી હોટેલ મેનેજર પ્રતાપસિંગ બાબુસિંગ રાવત (ઉં.વ. 36) અને દલાલ જયદીપ મુકેશભાઈ મકવાણા (ઉં.વ. 22)ની ધરપકડ કરી હતી. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રાણો વાલાણી ગ્રાહક દીઠ ₹2,000 વસૂલી ₹500 હોટેલનું ભાડું અને ₹1,000 યુવતીને આપી બાકીના ₹500 પોતાના ખિસ્સામાં નાખી દેતો હતો. પોલીસે રોકડ અને મોબાઇલ સહિત ₹43,500નો મુદ્દામાલ કબજે કરી ફરાર મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *