રાજકોટ શહેરમાં ચાલતી સફાઇની કામગીરીને વધુ સુદ્રઢ કરવા માટે સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડ નામથી તમામ વોર્ડમાં ટીમ મુકવામા આવશે. શહેરને સ્વછતા સર્વેક્ષણમાં અવ્વલ નંબરે લાવવા અને હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અંતર્ગત દરેક વોર્ડમાં ‘સ્વચ્છતા માર્શલ’ની ખાસ જગ્યા ઉભી કરીને આઉટ સોર્સિંગ દ્વારા નિમણુંક આપશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા કેપેસિટી બિલ્ડિંગ (સી.બી.) અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ વધારાની પોસ્ટ ઉભી કરવા કમિશનર દ્વારા ટુંક સમયમાં દરખાસ્ત તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે.
હાલમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે હવે તમામ અઢાર વોર્ડ દીઠ અઢાર સ્વચ્છતા માર્શલની નિમણુંક કરવામાં આવશે. આ ખાસ જગ્યા આઉટ સાર્સિંગ મારફત અગિયાર મહિનાના કરાર આધારિત અને અંદાજે રૂૂ. 16 હજારના ફિક્સ પગાર સાથે ઉભી કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા આ સ્વચ્છતા માર્શલોએ કરવાની કામગીરીનો જોબચાર્ટ પણ તૈયાર કરી નાખવામાં આવ્યો છે આમાં જે તે વોર્ડ અને તેના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરવા, દુકાનદારો દ્વારા જાહેર સ્થળોએ કચરો ફેંકવા, ગંદકી કરવા કે કચરાનું અયોગ્ય સંગ્રહ કરતા જણાય તો તેઓ પાસેથી નિયમ મુજબ વહિવટીચાર્જ વસુલ કરવા, જાહેર સ્થળોએ કોઇપણ વ્યક્તિ દ્વારા કચરો ફેંકવા ગંદકી કરતા જણાય તો દંડાત્મક પગલાં લેવા, શાળાઓ, હોસ્પિટલો, સંસ્થાઓ કચેરીઓ કે બજારમાં સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન થાય તો દંડાત્મક કાર્યવાહી કરવા તેમજ દંડની કાર્યવાહી કરતાં પહેલા જે તે સ્થળના ફોટા અને જરૂૂરી વિગતો મેળવી ડિજીટલ રેકર્ડ જાળવવાનો રહેશે.
આવી જ રીતે, શહેરના મુખ્યમાર્ગો, બજારો, જાહેર સ્થળો ડમ્પિંગ પોઇન્ટ,નાળા વગેરેની સ્વચ્છતા, વારંવાર ગંદકી કરતાં દુકાનદારો, સંસ્થા કે સ્થળની ઓળખ કરીને ચીફ ઓફિસરને જાણ કરવા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન સોર્સ સેગ્રિગેશન અને જાહેર સ્થળની સ્વચ્છતા અંગે નાગરિકોને સમજાવવા, ભીના સુકા, સેનેટરી અને અન્ય કચરાના યોગ્ય વર્ગીકરણ અંગે જાગૃતિ લાવવા, જે તે વિસ્તારમાં નિયમિત રીતે જોવા મળતી સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓનો દૈનિક સાપ્તાહિક રીપોર્ટ તૈયાર કરીને ચિફ ઓફિસરને આપવા, સિંગલ યુુઝ પ્લાસ્ટિકના ઉપયોગ વેંચાણ પર નજર રાખવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક જણાય તો કાર્યવાહી કરવા, નાળા નદી કે તળાવ આસપાસ કચરો નાખવામાં આવે તો તેવા સ્થળોએ કચરો નાખવામાં ન આવે તેવી કામગીરી કરવા સહિત અલગ અલગ પંદર મુદ્દાઓનો જોબ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સ્વચ્છતા માર્શલોની આ ખાસ પોસ્ટ માટે દરખાસ્ત કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરવામાં આવશે.
મ્યુનિ.કમિશનરનું રહેશે સીધુ મોનિટરીંગ
સફાઇ કામગીરીમાં અમુક વિસ્તારોમાં લોલંલોલ ચાલતુ હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં કોલ સેન્ટરમાં નોંધાય છે. ખાસ કરીને ખુલ્લા પ્લોટમાં એઠવાડ, અન્ય કચરાના ઢગલા દિવસો સુધી પડ્યા રહેશે. આવા ન્યુસન્સ પોઇન્ટ સહિત સમગ્ર વોર્ડ-વિસ્તારમાં માત્ર દેખાડો કરવા પુરતી જ સફાઇ ન થાય તે માટે કામગીરીનુ તટસ્થ નિરિક્ષણ કરવા માટે બનનાર સ્વચ્છતા માર્શલ સ્કવોર્ડના રિપોર્ટના આધારે મ્યુનિ.કમિશનરનું સીધુ મોનીટરીંગ રહેશે.
