સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધન બાદ ભારતે તેના ’જવાબ આપવાના અધિકાર’નો ઉપયોગ કરીને આકરો વળતો પ્રહાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે આતંકવાદ, લશ્કરી શાસન, લઘુમતીઓ સાથેના દુર્વ્યવહાર અને જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનની આકરી ટીકા કરી. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાન દ્વારા વારંવાર ફેલાવવામાં આવતા જૂઠ સત્ય બની જતા નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર વિશે વાત કરવાને બદલે, પાકિસ્તાને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)ની ગંભીર સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
પાકિસ્તાની વડાપ્રધાનના નિવેદનને “હાસ્યાસ્પદ” ગણાવતા પેટલ ગેહલોતે કહ્યું કે દુનિયાએ 9/11ના આતંકવાદી હુમલાના સંદર્ભને ભૂલવો ન જોઈએ. તેમણે ધ્યાન દોર્યું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં સેનાની મુખ્ય એકેડેમીની નજીક રહેતો હતો. તેમણે ટિપ્પણી કરી, “આ એ જ સેના છે જેના વખાણ પાકિસ્તાનના પ્રતિનિધિએ આજે આપણી સમક્ષ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યા.” ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનના વર્તમાન વહીવટીતંત્ર પર પણ કટાક્ષ કર્યો અને તેને “ફોર્મ 47 સરકાર” શબ્દ સાથે જોડ્યુંજે શબ્દપ્રયોગ ખુદ પાકિસ્તાનમાં જ વપરાય છે. તેમણે કહ્યું, “પરંતુ આવી બાબતોની અપેક્ષા માત્ર એવી સરકાર પાસેથી જ રાખી શકાય છે જેને પાકિસ્તાનની જનતા પોતે ’ફોર્મ 47 સરકાર’ કહે છે.”
ચૂંટણીમાં ગેરરીતિ દ્વારા રચાયેલી સરકાર. ’ફોર્મ 47’ એ પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલું એક દસ્તાવેજ છે, જે વિવિધ મતદાન મથકોના ’ફોર્મ 45’ના ડેટાને એકત્રિત કર્યા પછી તૈયાર કરવામાં આવે છે. 2024ની ચૂંટણી બાદ, વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ’ફોર્મ 45’ના ડેટામાં છેડછાડ કરીને રાતોરાત અનેક ’ફોર્મ 47’ બદલી નાખવામાં આવ્યા હતા.
પેટલ ગેહલોતે પાકિસ્તાનની લોકશાહી વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે જે દેશની રાજધાનીને હાલમાં પોતાના જ લોકો સામે રક્ષણ મેળવવા માટે કિલ્લામાં ફેરવવામાં આવી રહી છે, તે દેશ અન્યને લોકશાહી અને માનવ અધિકારો વિશે ઉપદેશ આપી રહ્યો છે. તેમણે કહ્યું, “અમે એવા શાસન પાસેથી લોકશાહી અધિકારો અને માનવ મૂલ્યો વિશે દંભી ઉપદેશો સાંભળ્યા, જેની રાજધાનીને આ ક્ષણે જ તેના પોતાના નાગરિકો સામે કિલ્લામાં ફેરવવામાં આવી રહી છે.”
તેમણે પાકિસ્તાનની વ્યવસ્થાને “સેનાનું શાસન, સેના દ્વારા અને સેના માટે” ગણાવી હતી. ગેહલોતે નોંધ્યું હતું કે સત્તામાં રહેલા ચહેરાઓ ભલે બદલાય, પરંતુ વાસ્તવમાં નિર્ણયો કોણ લે છે તે અંગે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.
કુંડુ કથરોટને હસી રહ્યું છે: પાક. પત્રકારની બોલતી બંધ કરતા જયશંકર
શુક્રવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલય ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકરે એક પાકિસ્તાની પત્રકારને આકરો જવાબ આપ્યો હતો. પત્રકારે તેમને આતંકવાદ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ ઘટનાક્રમ ત્યારે બન્યો જ્યારે જયશંકર અને લાઇબેરિયાના વિદેશ મંત્રી સારા બેસોલો ન્યાન્તીએ શિપિંગ (જહાજ વ્યવહાર) અને નાવિકોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતા નવા ’ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ’ના લોન્ચિંગ પ્રસંગે પ્રેસને સંબોધન કર્યું હતું. મંત્રીઓના નિવેદનો બાદ, પાકિસ્તાની પત્રકારે જયશંકરને પૂછ્યું, “તમારી સરકાર ક્યારે પાકિસ્તાનમાં આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરશે?” તેના જવાબમાં જયશંકરે વળતો પ્રહાર કરતા કહ્યું, “એક આતંકવાદી દેશ મને આ પ્રશ્ન પૂછી રહ્યો છે. અરે યાર!” આ વાતચીત એ ઘટનાના એક દિવસ બાદ થઈ હતી જેમાં એક ભારતીય પત્રકારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રવેશતી વખતે પ્રશ્ન પૂછ્યો હતો. પત્રકારે શરીફને પૂછ્યું હતું કે, “તમે ક્યારે આતંકવાદીઓને આશરો આપવાનું બંધ કરશો?” શરીફે તેનો કોઈ જવાબ આપ્યો ન હતો.
