દ્વારકામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

દ્વારકા પંથકના આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી તેમજ અન્ય એક શખ્સને સ્પેશિયલ પોક્સો કોર્ટે સખત કેદની સજા અને…

દ્વારકા પંથકના આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી તેમજ અન્ય એક શખ્સને સ્પેશિયલ પોક્સો કોર્ટે સખત કેદની સજા અને રોકડ દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર પંથકના રહેતી એક પરિવારની આશરે 16 વર્ષની સગીર વયની પુત્રીને કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના સંજય રણમલ અમર નામના શખ્સે પ્રેમ સંબંધ કેળવી લગ્ન તેમજ બદનામ કરવાના ઇરાદે ગત તારીખ 21 સપ્ટેમ્બર 2021 ના રોજ આરોપી મુરુભાઈની સ્વિફ્ટ મોટરકારમાં અન્ય એક આરોપી એવા દેવરીયા ગામના સંજયપરી વિનુપરી ગોસ્વામી સાથે આ બંને આરોપીઓએ ભોગ બનનારને જો લગ્ન કરવાની ના પાડશે અને તેઓની સાથે નહીં આવે તો તેણીના મા-બાપને જાનથી મારી નાખવાની ધમકી આપી, સમાજમાં બદનામ કરવાનું નહીં કરવાની ધમકી આપી, આરોપી મુરૂૂભાઈની સ્વિફ્ટ મોટરકારમાં અપહરણ કરીને લઈ ગયા હોવાનો બનાવ ખુલવા પામ્યો હતો. જેમાં આરોપી સંજય અમરે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલવા પામ્યું હતું

આને અનુલક્ષીને ભોગ બનનાર સગીરાના પિતાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366, 376 (1), 114, પોક્સો એક્ટ વિગેરે હેઠળ ગુનો નોંધ્યો હતો. જે પ્રકરણમાં તપાસના અંતે આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ કેસ દ્વારકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના સ્પેશિયલ પોક્સો જજ કે.જે. મોદી સમક્ષ ફરિયાદી, મેડિકલ ઓફિસર, તપાસનીસ અધિકારી અને અન્ય મહત્વના સાહેદોની જુબાની સાથે કુલ 20 સાક્ષીઓની તપાસ સહિત સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા વિવિધ મુદ્દે ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને દ્વારકાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના સ્પેશિયલ પોક્સો જજ કે.એસ. પટેલ દ્વારા આરોપી સંજય રણમલ અમરને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂૂપિયા 5,000 નો દંડ તથા અન્ય આરોપી સંજયપરી વિનુપરી ગોસ્વામીને પણ દસ વર્ષની સખત કેદની સજા તથા રૂૂપિયા 5,000 નો દંડની ફટકારતો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *