મોરબી રોડ પર ચા પીવા ઉભેલા કાર-રિક્ષાચાલકને ટ્રકે કચડી નાખ્યા

રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને માતેલા સાંઢની જેમ દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ હણી રહ્યા છે મોરબી…

રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને માતેલા સાંઢની જેમ દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ હણી રહ્યા છે મોરબી હાઇવે પર હડાળાના પાટીયા પાસે મોડી રાત્રે માતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રક ચાલકે કાર અને રિક્ષાને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચા પીવા ઉભા રહેલા કાર ચાલક વેપારી યુવક અને મોરબી ઉર્ષમાં જતા રીક્ષા ચાલકનું પુત્રની નજરની સામે જ મોત નિપજતા બંને પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ મોરબી હાઇવે પર હડાળા ના પાટીયા નજીક મોમાઈ હોટલ સામે કનૈયા હોટલમાં રાત્રીના દસેક વાગ્યા આસપાસ ચા પીવા ઊભા રહેલ રાજકોટ ભાવનગર રોડ પર બેડીપરામાં ફાયર બિગેડ પાછળ મનહરપરામાં રહેતા અજીતશાહ જીલુસા શાહમદાર (ઉ.વ.36) અને તેનો પુત્ર રીક્ષા લઈને ઉભા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે અજીતશાહની રિક્ષા અને અન્ય કાર અડફેટે લેતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલક અજીતશા જીલુશા શાહમદાર અને રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે રહેતા કાનાભાઈ ગોવિંદભાઈ હુંબલ (ઉં.વ.20)નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્રિપલ અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માતના પગલે 108 ની ટીમને જાણ કરતા ટીમના તબીબે બંને યુવકને જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કર્યા હતા. આ અંગે જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડયા હતા.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક અજીતશા ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતા અને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. રિક્ષા ચાલક અજીતશા શાહમદાર અને તેમનો પુત્ર મોરબી જુલુસમાં જતા હતા ત્યારે ચા પીવા માટે ઉભા રહ્યા હતા. પુત્ર હોટલ પાસે માવો બનાવતો હતો જ્યારે મૃતક અજિતશા રિક્ષામાં બેઠા હતા. જ્યારે મૃતક કાનાભાઇ હુંબલ વેપાર કરતા હતા અને માતા-પિતાના આધાર સ્થંભ એકનો એક પુત્ર અને પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો. કાનાભાઇ હુંબલ પોતાની કાર લઈને આંટો મારવા નીકળ્યા હતા ત્યારે બેકાબુ ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક અને કાર ચાલક વેપારી યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્રીપલ અકસ્માતના પગલે કુવાડવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.બી. પટેલે ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

સિંગર મીરા આહિર સહિત પાંચ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 20 વર્ષીય કાના હુંબલના મોતના સમાચાર સામે આવતા સમગ્ર પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. કાના હુંબલ પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો. ખાસ કરીને, જાણીતી લોકસાહિત્ય અને ડાયરાની સિંગર મીરા આહિર અને વૈશાલી આહિરનો તે ભાઈ થાય છે. હાલમાં જ બહેન મીરા આહિર વિદેશમાં સિંગિંગના પ્રોગ્રામ માટે ગઈ હતી, જ્યાં તેને ભાઈના આ દુ:ખદ અવસાનના સમાચાર મળતા વિદેશમાં જ શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારમાં વ્યાપેલા આ આઘાતથી સૌ કોઈ સ્તબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *