અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દામનગરના પોપટપરા વિસ્તારમાં રહી ખેતીકામ કરતાં 66 વર્ષીય નાગજીભાઈ બુધેલીયા નામના વૃદ્ધને ગેસ બિલ અપલોડ કરવાના બહાને ઝાસામાં લીધા હતા. સાયબર ઠગે પોતાની ખોટી ઓળખ આપી વૃદ્ધ ખેડૂત સાથે ₹3,18,000ની માતબર રકમની ઠગાઈ આચરતાં આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ગત 17 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ખેડૂતના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે ગુજરાત એનર્જી ગેસ કંપનીમાંથી બોલે છે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ તેમની અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના એટીએમ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ મોબાઈલની સ્ક્રીન શેર કરાવીને ગુપ્ત ઓટીપી મેળવી લીધો હતો અને બેંક એકાઉન્ટનો એક્સેસ મેળવી લીધો હતો.
બેંક ખાતાનો એક્સેસ મેળવ્યા બાદ સાયબર ભોપાળું આચરનાર શખ્સે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹3,18,000 ઉપાડી લીધા હતા. પોલીસ ફરિયાદ મુજબ આ છેતરપિંડીમાં ઇન્ડસઇન્ડ બેંક અને બેંક ઓફ બરોડાના ચોક્કસ ખાતાધારકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી બદઈરાદાથી વૃદ્ધના નાણાં પચાવી પાડ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
પોલીસ અને બેંક તંત્ર દ્વારા અવારનવાર ઓટીપી કે બેંક વિગતો શેર ન કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. આમ છતાં સામાન્ય નાગરિકો આવી લલચામણી જાળમાં ફસાઈને ગાફેલ રહી જાય છે અને પોતાની કમાણી ગુમાવી બેસે છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી સાયબર સેલની મદદથી આરોપીઓ સુધી પહોંચવા માટે આગળની ચક્રો ગતિમાન કર્યા છે.
