જમીન દફતર કચેરીના કર્મચારીઓ બેમુદતી હડતાલ પર

  ગુજરાત રાજ્યના જમીન દફ્તર ખાતાના વર્ગ-3ના 2000 કર્મચારીઓ દ્વારા પોતાની લાંબા સમયની વણ ઉકેલાયેલી માંગણીઓ અને ગ્રેડ પેના સુધારાને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે મોરચો…

 

ગુજરાત રાજ્યના જમીન દફ્તર ખાતાના વર્ગ-3ના 2000 કર્મચારીઓ દ્વારા પોતાની લાંબા સમયની વણ ઉકેલાયેલી માંગણીઓ અને ગ્રેડ પેના સુધારાને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે મોરચો માંડવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2024માં યોજાયેલા આંદોલન સમયે સરકાર તરફથી પ્રશ્નોના સકારાત્મક ઉકેલ અંગે મૌખિક બાંહેધરી મળતાં કર્મચારીઓએ લોકહિતમાં આંદોલન મોકૂફ રાખ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025માં મુખ્યમંત્રી દ્વારા સિનિયર સરવેયર તથા સરવેયર કેડરના ગ્રેડ પેમાં વધારો કરવા અંગે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી હતી.

જોકે, મંજૂરી મળ્યાને એક વર્ષ કરતાં પણ વધુ સમય વીતી જવા છતાં ગ્રેડ પે અંગેનો આખરી સુધારો અમલમાં ન આવતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. આ બાબતે રાજ્ય મંડળ દ્વારા તા. 11/08/2026ના રોજ સરકારને 30 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં કોઈ સકારાત્મક નિરાકરણ ન આવતા, સમગ્ર રાજ્યના આશરે 2000 જેટલા સિનિયર સરવેયર, સરવેયર અને ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને હડતાળનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે.

રાજકોટ લેન્ડ રેકોર્ડ કર્મચારી મંડળ સહિત સમગ્ર રાજ્યમાં તા. 11/09/2026 થી તા. 18/09/2026 સુધી ’પેન ડાઉન’ હડતાળ રાખવામાં આવી હતી. ત્યારબાદ તા. 19/09/2026ના રોજ તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર રહ્યા હતા અને આજે તા. 21-9-2026 થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જમીન દફ્તર ખાતાના કર્મચારીઓ ની માંગ છે કે, સરવેયરને વર્તમાન ગ્રેડ પે રૂૂ.2400 થી વધારીને રૂૂ.2800 કરવો જયારે સિનિયર સરવેયરને વર્તમાન ગ્રેડ પે રૂૂ.2800 થી વધારીને રૂૂ.4400 કરવો ઉપરાંત ટેકનિકલ અને નોન-ટેકનિકલ કર્મચારીઓની કામગીરીને અનુરૂૂપ યોગ્ય પગાર ધોરણ અને “સમાન કામ, સમાન વેતન”નો અમલ કરવો.

કર્મચારીઓની આ અચોક્કસ મુદતની હડતાળના કારણે જમીન માપણી, રી-સરવે, સ્વામિત્વ યોજના, સિટી સરવે, ટીપ્પણ તથા નક્શાની નકલ આપવા સહિતની તમામ અગત્યની પ્રજાલક્ષી કામગીરી સંપૂર્ણપણે ખોરંભે પડી ગઈ છે, જેનાથી અરજદારો અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કર્મચારી મંડળે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી ન્યાયી હક અને ગ્રેડ પેનો સુધારો નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *