ગુજરાતમાં ફિલ્મી સિતારાઓનો જમાવડો, આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ

ગુજરાત આજે દેશના સૌથી મોટા ફિલ્મી સમારોહનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. એકતાનગર એટલે કે કેવડિયામાં આજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…

ગુજરાત આજે દેશના સૌથી મોટા ફિલ્મી સમારોહનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. એકતાનગર એટલે કે કેવડિયામાં આજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી શરૂ થનારા આ સમારોહમાં બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો અને દેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે તેઓ વડોદરા પહોંચ્યા હતા અને ત્યાંથી બાય રોડ એકતાનગર જવા રવાના થયા હતા.

બીજી તરફ, ફિલ્મ સ્ટાર્સનું પણ ગુજરાતમાં આગમન શરૂ થઈ ગયું છે. કાર્તિક આર્યન ગઈકાલે જ કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં હોટલમાં તેમનું ઢોલ-નગારા અને ગરબા સાથે ગુજરાતી પરંપરાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અભિનેતા રણદીપ હુડ્ડા પત્ની અને બાળક સાથે વડોદરા પહોંચ્યા હતા. સાઉથના જાણીતા કલાકારો મમૂટી અને ધનુષ તેમજ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી પણ વડોદરા પહોંચ્યા છે. આજે અન્ય બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રીઓ પણ કેવડિયા પહોંચશે.

આ વર્ષે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરવામાં આવશે. ‘આર્ટિકલ 370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવશે, જ્યારે ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે સન્માન મળશે.લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ યામી ગૌતમને એનાયત થશે. જ્યારે ‘ભ્રમયુગમ’ માટે મમૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળશે.

ગુજરાત માટે પણ આ સમારોહ ખાસ બન્યો છે. ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ‘બસ બે’ વિસ્તારમાં મહેમાનો માટે વિશેષ AC જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં અંદાજે 1,000 મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. દેશભરમાંથી આવેલા મહેમાનો માટે ખાસ ગુજરાતી વાનગીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે સમારોહનો પ્રારંભ થશે.ત્યારબાદ ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી સહિત વિવિધ કેટેગરીના વિજેતાઓને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે 1954થી શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર એવોર્ડ સમારોહ યોજાઈ રહ્યો છે. અને આ ઐતિહાસિક સમારોહની યજમાની ગુજરાત કરી રહ્યું છે.કેવડિયામાં આજે ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો, રાષ્ટ્રીય નેતાઓ અને દેશભરના મહાનુભાવોની હાજરી વચ્ચે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડનો ભવ્ય રંગ જામશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *