ઉપલેટામાં રેહતા એક એક સિનિયર સિટીઝનનો મોબાઇલ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી રૂૂ. 2.89 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ઉપલેટાની સર્વોદય સોસાયટી નવા લેઉવા પટેલ સમાજ પાસે ખાતે રહેતા અને ખાનગી નોકરી કરતા 60 વર્ષીય રાજેશભાઇ ભીખાભાઇ કળસારા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. સાયબર ગઠીયાએ રાજેશભાઈ ના એકાઉન્ટમાં 47 હજાર જમા કરાવી બાદમાં તેમનો ફોન હેક કરી લીધો હતો. ત્યારબાદ, તા. 10/09/2026 થી તા. 14/09/2026 દરમિયાન ફરિયાદીની જાણ બહાર તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માંથી તબક્કાવાર કુલ રૂૂ.2.89 લાખ જેટલી રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. ખાતામાંથી નાણાં ઉપડી ગયાની જાણ થતાં જ રાજેશભાઈએ આ અંગે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ બનાવ અંગે રાજેશભાઇ કળસારાની ફરિયાદના આધારે પોલીસે વિશ્વાસઘાત અને ડિજિટલ ઠગાઈનો ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરી છે. હાલના ડિજિટલ યુગમાં સાયબર વિંગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું, અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી અને પોતાના બેંકિંગ કે ઓટીપની માહિતી કોઈ સાથે શેર ન કરવી. સાયબર ફ્રોડનો ભોગ બનતાં જ તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કરવો.
