મોરબી જીલ્લામાં પોલીસ લોક દરબાર કરીને વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવાની ગમે તેટલી વાતો કરે વ્યાજખોરોને ડામવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે ટંકારા તાલુકાના નેકનામ ગામે 29 લાખ વ્યાજે લીધા જેના બદલે રૂૂ 2.05 કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ વધુ 50 લાખ પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી અને ચાની હોટેલ ચલાવતા લીંબાભાઈ માંડાભાઈ લામકા (ઉ.વ.46) વાળાએ નેકનામ ગામે રહેતા આરોપીઓ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા અને વિક્રમસિંહ રાજુભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી લીંબાભાઈએ તેના દીકરા અને દીકરીના લગ્ન અને મકાનના રીનોવેશન માટે આરોપી રાજેન્દ્રસિંહ પાસેથી રૂૂ 29.70 લાખની રકમ 20 ટકા વ્યાજે લીધી હતી તા. 20-05-21 થી આજદિન સુધીમાં ફરિયાદીએ રૂૂ 2,05,00,000 ચૂકવી દીધા છે.
છતાં આરોપીઓ રૂૂ 50 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ટંકારા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ 384,114 અને મની લેન્ડર્સ એક્ટ 2011 ની કલમ 40,42 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
અપમૃત્યુના 4 બનાવ
મોરબી અને વાંકાનેર તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના ચાર બનાવોમાં ચાર વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં મોરબીના ઘૂટું ગામે રહેતા કનુભાઈ જગાભાઇ ઉડેશા (ઉ.વ.52) નામના આધેડ પોતાની વાડીએ કોઈ કારણોસર અજાણી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બીજા બનાવમાં માળિયા તાલુકાના મેઘપર (દેરાળા) ગામના રહેવાસી વિજય નારણભાઈ રાઠોડ (ઉ.વ.45) નામના આધેડ મોરબી બરવાળા રેલ્વે પાટા પર ફાટક નં 39 સામે ટ્રેન અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.
ત્રીજા બનાવમાં વાંકાનેરના શક્તિપરા હસનપર ગામે રહેતા હરેશભાઈ હમીરભાઈ રોજાસરા (ઉ.વ.28) નામના યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું.
ચોથા બનાવમાં વાંકાનેરના આંબેડકરનગર શેરી નં 4 માં રહેતા દેવજીભાઈ હરિભાઈ ચાવડા (ઉ.વ.52) નામના પૌઢ કોઈ કારણોસર એસીડ પી લેતા ઉલ્ટી થતા સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે તમામ બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે.
