જેતપુરની મહિલાને વ્યાજે આપેલા રૂપિયા 31 લાખ વસુલવા બળજબરીથી મકાનનું સાટા ખત કરાવી લીધું

જેતપુરમાં ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલી એક મહિલા અને તેના પરિવારને માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરી મકાનનો સાટાખત કરી લેનાર બે વ્યાજખોર ભાઈઓ સામે જેતપુર…

જેતપુરમાં ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલી એક મહિલા અને તેના પરિવારને માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરી મકાનનો સાટાખત કરી લેનાર બે વ્યાજખોર ભાઈઓ સામે જેતપુર સિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, મૂળ જેતપુરના ખોડપરા વિસ્તારના અને હાલ મેટોડા જીઆઇડીસી ખાતે ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરતા રિઝવાનાબેન રહીમભાઈ લુલાણીયા (ઉં.વ. 40) નામના મહિલાએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં જાગૃતિનગર ખાતે રહેતા દિલીપભાઈ વિરકુભાઈ જલુ અને ભૂપતભાઈ વિરકુભાઈ જલુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2019માં ફરિયાદીના પિતાની હૃદયની બીમારીની સારવાર અર્થે નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં તેમણે પાડોશમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતા દિલીપ જલુ અને ભૂપત જલુ પાસેથી માસિક 3.5 ટકાના ઊંચા વ્યાજે રૂૂ.5 લાખ લીધા હતા. આ માટે આરોપીઓએ સિક્યોરિટી પેટે દસતખત કરેલા રકમ વગરના ત્રણ કોરા ચેક પડાવી લીધા હતા. ત્યારબાદ વ્યાજ ચૂકવવા તેમજ ઘરખર્ચ માટે ફરિયાદીએ સગા-સંબંધીઓ પાસેથી નાણાં લીધા હતા. સગા-સંબંધીઓના નાણાં પરત કરવા ફરિયાદીએ જાન્યુઆરી-2021માં રૂૂ.7 લાખ, એપ્રિલ-2022માં રૂૂ.7 લાખ અને માર્ચ-2023માં વધુ રૂૂ.12 લાખ મળી કુલ રૂૂ.31 લાખ રૂૂપિયા 3.5 ટકાના વ્યાજે લીધા હતા.

ફરિયાદી દર મહિને રૂૂ.1,04,000 જેટલું જંગી વ્યાજ ચૂકવતા હતા. વ્યાજ આપવામાં મોડું થાય તો આરોપીઓ ગાળો આપી છરીના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આરોપીઓએ બળજબરીથી ફરિયાદીના દેના બેંક, એચડીએફસી બેંક, તેમની બહેન અશમાબેનનો એસબીઆઈ બેંકનો ચેક તથા બનેવી સિરાજભાઈનો બેંક ચેક મળી કુલ 7 ચેકો મેળવી લીધા હતા. એટલું જ નહીં, બહેનના ચેકમાં રૂૂ.8 લાખની રકમ ભરીને તેની સામે નેગોશિયેબલ એક્ટ હેઠળ ખોટો કેસ પણ ઠોકી બેસાડ્યો હતો. આ ઉપરાંત આરોપી દિલીપ જલુએ ધમકાવીને ફરિયાદીના ખોડપરા વાળા મકાનનું બળજબરીથી સાટાખત પણ કરાવી લીધું હતું.

મહિલાએ એપ્રિલ-2025 સુધીમાં હાથ-ઉછીના કરીને રૂૂ.13.50 લાખ પરત આપ્યા હતા અને વ્યાજ-મુદ્દલ મળી અત્યાર સુધીમાં કુલ રૂૂ.48 લાખ ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓ હજુ પણ રૂૂ.18 લાખની ગેરકાયદે ઉઘરાણી કરી ફોનમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આખરે કંટાળીને મહિલાએ પરિવારજનો સાથે જેતપુર સિટી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દિલીપ વિરકુભાઈ જલુ અને ભૂપત વિરકુભાઈ જલુ વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. એમ.ડી. ડોડિયાએ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *