નાયરોબી હાઇકોર્ટે અશોક શાહની તરફેણમાં એકતરફી ચૂકાદો આપ્યો
વૈશ્વિક સ્તરે એનએમસી હેલ્થના વિવાદમાં ₹5700 કરોડનું મોટું કોર્ટ બહારનું સેટલમેન્ટ મેળવ્યા બાદ, બેંક ઓફ બરોડા પૂર્વ આફ્રિકામાં વધુ એક મોટા નાણાકીય સંકટમાં મુકાઈ છે. નાયરોબી સ્થિત કેન્યાની હાઈકોર્ટે આ સરકારી બેંકને ₹2210 કરોડ (અંદાજે 2.996 અબજ કેન્યા શિલિંગ) ’ઇન્ફિનિટી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક લિમિટેડ’ને ચૂકવવાનો આદેશ આપ્યો છે, જે ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અશોક રૂૂ5શી શાહ દ્વારા સંચાલિત કંપની છે. આ ચુકાદો નાયરોબીના ઈસ્ટર્ન બાય-પાસ પાસેના વિશાળ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા જટિલ વ્યાપારી વિવાદમાં એક મોટો વળાંક દર્શાવે છે.
આ કાનૂની સંઘર્ષ ઇન્ફિનિટી ઇન્ડસ્ટ્રિયલ પાર્કના વેરહાઉસ ડેવલપમેન્ટ માટે બેંક ઓફ બરોડા (કેન્યા) લિમિટેડ દ્વારા આપવામાં આવેલા કોમર્શિયલ લોન સંબંધિત છે. નાણાકીય વ્યવસ્થાઓ મુજબ, ડેવલપરે પ્રોજેક્ટની જમીનને સુરક્ષા (મોર્ગેજ) તરીકે મૂકી હતી. જો કે, પ્રોજેક્ટના અમલીકરણમાં ગંભીર અવરોધો ઊભા થતાં સંબંધો બગડ્યા હતા. ઇન્ફિનિટી ઇન્ડસ્ટ્રિયલ પાર્કે કોર્ટમાં દાવો કર્યો હતો કે બેંકે જમીનના મહત્વપૂર્ણ ટાઇટલ દસ્તાવેજો રોકી રાખીને, પ્રોપર્ટીના ઉપયોગમાં ફેરફાર માટેની મંજૂરીઓમાં વિલંબ કરીને અને ભંડોળનો આગળનો હપ્તો આપવાનો ઇનકાર કરીને કરારનું ઉલ્લંઘન કર્યું છે. ડેવલપરના મતે, આ મુશ્કેલીઓને કારણે રોકડ પ્રવાહ અટકી ગયો હતો અને પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂરો થઈ શક્યો ન હતો.
શરૂૂઆતમાં ડેવલપરે બેંકને પ્રોજેક્ટનો કબજો લેતી અટકાવવા માટે કોર્ટમાં રાહત માગી હતી, પરંતુ જ્યારે બેંકે કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનો બચાવ (ડિફેન્સ) રજૂ ન કર્યો ત્યારે કાનૂની સ્થિતિ બદલાઈ ગઈ હતી. હાઈકોર્ટે બેંક વિરુદ્ધ ’ડિફોલ્ટ જજમેન્ટ’ (એકતરફી ચુકાદો) આપ્યો હતો.
