અંબાજીના દાનમાંથી ભાજપનો રાજકીય જલ્સો ‘ચંદા ચોરી’ સમાન : કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે એક પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગરીબ, મધ્યમવર્ગ અને દેશ-વિદેશના કરોડો…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે એક પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગરીબ, મધ્યમવર્ગ અને દેશ-વિદેશના કરોડો શ્રધ્ધાળુઓ પોતે પેટે પાટા બાંધીને પોતાના આરાધ્ય મા અંબાના ચરણોમાં જે એક-એક રૂૂપિયો શ્રધ્ધાપૂર્વક અર્પણ કરે છે, તે પવિત્ર દાનની રકમનો ક્યારે દૂરઉપયોગ અટકશે? અંબાજી માતાના ધામમાં ભક્તોના દાનના નાણાં પર રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે, જેનાથી સમગ્ર દેશના કરોડો શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અંબાજી માતા મંદિર ખાતે ભાજપના રાજકીય ઉત્સવ અને તેના માટે ભક્તોના પૈસાના દુરુપયોગ સામે ભારે આક્રોશ વ્યક્ત કરે છે અને આ ઘટનાક્રમ સામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવે છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76 વર્ષ પૂર્ણ થાય ત્યારે તેમના નિરોગી અને 100 વર્ષથી વધુના દીર્ઘાયુ જીવન માટે દેશનો દરેક નાગરિક અને કોંગ્રેસ પક્ષ પણ મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરે છે. અમે પ્રધાનમંત્રીના જન્મદિવસની શુભકામનાઓના વિરોધી નથી, પરંતુ અમારો વિરોધ એ વાતે છે કે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી એ કોઈ સરકારી કે ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ એક રાજકીય પક્ષ ભાજપનો કાર્યક્રમ છે. અંબાજી મંદિરમાં યોજાયેલા 76,000 દીવાના દીપોત્સવની આમંત્રણ પત્રિકામાં ’બનાસકાંઠા જિલ્લા ભાજપ’ એવું સ્પષ્ટ લખેલું છે, જે સાબિત કરે છે કે આ માત્ર ને માત્ર ભાજપનો પક્ષીય કાર્યક્રમ છે. જો આ ભાજપનો ઉત્સવ હોય, તો વિશ્વની સૌથી ધનિક પાર્ટી અને 10,000 કરોડથી વધુનું ભંડોળ ધરાવતી પાર્ટી પોતાના ભંડોળમાંથી ખર્ચ કેમ નથી કરતી? આ ઉજવણી માટે અત્યારે 76,000 દીવાઓ પાછળ અંબાજી મંદિરના ભંડારમાંથી રૂૂ. 20 લાખનો મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત ગંભીર અને વિરોધજનક મુદ્દો છે. જો આ 20 લાખ રૂૂપિયા પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે દાંતા તાલુકાના ગરીબ આદિવાસી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવ્યા હોત, તો મા અંબા ખરા અર્થમાં રાજી થાત.

અંબાજી મંદિર એ સરકારના નિયંત્રણ હેઠળનું જાહેર ટ્રસ્ટ છે, જેના ચેરમેન તરીકે બનાસકાંઠા કલેક્ટર અને વહીવટદાર તરીકે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના સરકારી અધિકારીઓ બેસે છે. જ્યાં સરકારી નિયમોનું કડક પાલન થવું જોઈએ, ત્યાં રૂૂ. 50 હજારથી વધુના કામો માટે ટેન્ડરિંગ કરવું ફરજિયાત હોવા છતાં, લાખો રૂૂપિયાના કામો ટેન્ડર પ્રક્રિયા વગર માત્ર ત્રણ ભાવપત્રક મગાવીને માનીતાઓ આપી દેવાય છે. અંબાજી મંદિરના ભંડારમાં આવતો એક-એક રૂૂપિયો ભક્તોની પવિત્ર શ્રધ્ધાનું પરિણામ છે. મંદિર ટ્રસ્ટ અને સરકાર તાત્કાલિક આ અંગે હિસાબ જાહેર કરે, નહિતર કોંગ્રેસ પક્ષ ભક્તોની આસ્થા અને મંદિરની પવિત્રતાની રક્ષા માટે ઉગ્ર આંદોલન કરશે એમ હેમાંગ મહિપતરામ રાવલ, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયુ છે.

ભાજપના કાર્યક્રમ માટે માતાજીના આરામના સમયમાં મંદિર ખોલવાની પેરવી
અંબાજીમાં વારંવાર પરંપરાઓ સાથે ચેડા કરવામાં આવે છે એક તરફ અંબાજીમાં 51 શક્તિપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં નથી આવતો માતાજીને ભૂખ્યા રાખવામાં આવે છે બીજી તરફ અંબાજી મંદિરમાં તેલનો સંપૂર્ણ નિષેધ છે અંબાજી મંદિરમાં માતાજીનો ભોગ પ્રસાદ પણ બને છે તે સંપૂર્ણ ઘીમાં બને છે વળી લાકડાને અગ્નિથી પ્રજ્વલ્લિત કરવાના હોય તેના માટે પણ ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે છતાં પણ સમગ્ર મંદિરમાં તેલનો ઉપયોગ કરવામાં આવનાર છે સાથે સાથે અંબાજી મંદિર માતાજીને આરામ માટે થઈને સાંજે સાડા ચારથી સાત વાગ્યા સુધી બંધ રહે છે પરંતુ આજે ભાજપે કાર્યક્રમનો સમય સાંજે 5.15 કલાકનો રાખેલ હોવાથી ખાસ કિસ્સામાં માતાજીને પણ આરામ કરવા મળનાર નથી. ગુજરાતના યાત્રાધામો અને મંદિરો કોઈ રાજકીય પક્ષની ખાનગી જાગીર નથી. આ યાત્રાધામો કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક અને શ્રધ્ધાના કેન્દ્રો છે. કોઈપણ રાજકીય પક્ષને માતાજીના વિશ્રામના સમયે, જ્યારે આમ ભક્તો માટે મંદિરના દર્શન અને પ્રવેશ બંધ હોય, ત્યારે નિયમો તોડીને રાજકીય કાર્યક્રમ કરવાની મંજૂરી આપવી એ કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રધ્ધાની લાગણીઓ પર સીધો પ્રહાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *