વાંકાનેર તાલુકાના ઝાલસીકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના જાગ્રત સરપંચ દ્વારા ગેરકાયદે ખનન, દૂધ મંડળીમાં બોગસ દસ્તાવેજો અને દબાણો અંગે સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવાના ખાર રાખીને સરપંચ ઉપર સરાજાહેર હિચકારો હુમલો કરી એકટીવા ઉપર જતા સરપંચને કારની ઠોકર મારે કાર નીચે કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની સસંસનીખેજ ઘટના સામે આવી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ નજીક જીવાપર ગામ પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક બનેલી આ ઘટના અંગે એરપોર્ટ પોલીસ મથકમાં 10 થી 12 શખ્સોના ટોળા વિરુદ્ધ નામજોગ તથા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી રોડ પર આવેલ ખોડીયાર પાર્ક શેરી નં.1, જકાતનાકા પાસે રહેતા અને મૂળ વાંકાનેર તાલુકાના ઝાલસીકા ગામના વતની ધીરૂૂભાઈ કરશનભાઈ ડાંગર (ઉં.વ.65) છેલ્લા પાંચ વર્ષથી ઝાલસીકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે.
ગતાંક 9 સપ્ટેમ્બરના રોજ સરપંચ ધીરૂભાઈ ડાંગર વસુંધરા ગામેથી શાળાનું સરકારી કામ પૂર્ણ કરીને પોતાના એક્ટિવા મોપેડ પર રાજકોટ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જીવાપર ગામ નજીક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક ઈકો કારના ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારીને નીચે પાડી દીધા હતા.
સરપંચ કાબૂ ગુમાવીને રોડ પર પટકાયા કે તુરંત જ ઈકો કાર તથા અન્ય વાહનોમાંથી 10 થી 12 જેટલા શખ્સો હાથમાં લાકડીઓ, પાઇપ અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ ટોળકીએ કશું પણ વિચાર્યા વગર સરપંચ પર અચાનક તૂટી પડીને આડેધડ માર મારવાનું શરૂૂ કર્યું હતું. સરપંચ ધીરૂૂભાઈ ડાંગરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી સત્તાવાર ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના પર હુમલો કરનાર મુખ્ય આરોપીઓમાં સરૈયા પરિવારના સભ્યો તથા તેમના સાગરીતો સામેલ છે. ફરિયાદમાં પ્રવીણ સરૈયા,અનીલભાઈ રેવાભાઈ સરૈયા,વિપુલ સરૈયા,શૈલેષ સરૈયા,વિક્રમ સરૈયા,જગદીશ સરૈયા તથા અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સોના નામ આપવમાં આવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પ્રવીણ સરૈયાએ લોખંડના પાઇપ વડે સરપંચના જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે અનીલ રેવા નામના શખ્સે લાકડી વડે ડાબા પગે આડેધડ ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ તમામ શખ્સોએ સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.
બનાવ અંગે એરપોર્ટ પોલીસે સરપંચ ધીરૂૂભાઈ ડાંગરની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્ત સરપંચને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કવાયત હાથ ધરી છે. નામજોગ દર્શાવેલા આરોપીઓ તથા તેમના અજાણ્યા સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. સરપંચ પર થયેલા આ ઘાતક હુમલાને પગલે પંથકના સ્થાનિક રાજકારણમાં અને ગ્રામજનોમાં ભારે રોષ અને ચકચાર વ્યાપી ગઈ છે.
ગેરકાયદેસર ખનન અને બોગસ પ્રમાણપત્રો બનાવવાનો વિરોધ હુમલાનું મુખ્ય કારણ
હુમલા પાછળ કોઈ વ્યક્તિગત વૈમનસ્ય નહીં પરંતુ ગામમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સરપંચની કડક કાર્યવાહી જવાબદાર હતી. આજથી ત્રણ-ચાર વર્ષ પહેલા વસુંધરા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ખનન અને ભ્રષ્ટ લીઝ/ભરડિયાઓ અંગે સરપંચ ધીરૂૂભાઈએ મામલતદાર, કલેક્ટર, વાંકાનેર તાલુકા પોલીસ તથા ખાણ-ખનિજ વિભાગમાં કડક રજૂઆતો કરી હતી. આ અરજીઓના પગલે ખાણ-ખનિજ વિભાગે પથ્થરની ખાણો પર દરોડા પાડીને ગેરકાયદે ખનન બંધ કરાવ્યું હતું. તેમજ સહકારી દૂધ મંડળીમાં ગ્રામ પંચાયતના બોગસ લેટરપેડ અને બનાવટી સિક્કાઓનો ઉપયોગ કરીને બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાનું સરપંચના ધ્યાને આવતા તેમણે આ અંગે પણ કાયદેસરની રજૂઆતો કરી હતી. ગામના કેટલાક લોકો દ્વારા બોગસ પ્રમાણપત્રોના આધારે ગેરકાયદેસર રીતે નોકરી મેળવવાના પ્રકરણમાં સરપંચે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત બંસલ પેટ્રોલ પંપ પાસે કરવામાં આવેલા ગેરકાયદે દબાણો અંગે પણ તેમણે તંત્રને લેખિત ફરિયાદો કરી હતી.
