યુધ્ધની અસર દેખાવાનું શરૂ: સુરતમાં ટેક્સટાઇલ 30% મોઘું

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ક્રૂડ-પેટ્રોકેમિકલ સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધોની ગંભીર અસર દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબ સુરત પર પડી છે. કાચા માલના…

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ક્રૂડ-પેટ્રોકેમિકલ સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધોની ગંભીર અસર દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબ સુરત પર પડી છે. કાચા માલના ઊંચા ભાવ, આયાતી કોલસાની મોંઘવારી, વીજ દરોમાં વધારો અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાને કારણે આગામી તહેવારોની સિઝનમાં સુરત નિર્મિત કાપડ અને તૈયાર વસ્ત્રોના ભાવમાં 25 થી 30 ટકાનો તોતિંગ વધારો થવાની શક્યતા છે. સુરતના કાપડ બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત દિવાળીએ રૂૂ. 200માં વેચાતી સામાન્ય સાડી આ વર્ષે ગ્રાહકોને રૂૂ. 260 આસપાસ મળશે, જેનાથી સામાન્ય વર્ગના ખરીદદારોના બજેટ પર સીધી અસર પડશે.

સુરતના ઉધના સ્થિત ગોવિંદ નગર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ જેવા પાવરલૂમ વિસ્તારોમાં ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે. ક્રૂડ ઓઇલની અનિશ્ચિતતા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંકટને પગલે તાજેતરમાં સર્જાયેલી એલપીજી રાંધણગેસની તીવ્ર અછતના કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન તરફ વળ્યા હતા. શ્રમિકોની અછત સર્જાતા કારખાનાઓ અઠવાડિયાઓ સુધી બંધ રહ્યા હતા અને પરત ફરેલા કારીગરોએ વેતન વધારાની માગણી કરતા પાવરલૂમ એકમોએ પ્રતિ મીટર મજૂરી રૂૂ. 1.80થી વધારીને રૂૂ. 1.95 કરવી પડી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા પાવર ટેરિફ યુનિટ દીઠ રૂૂ. 7.30થી વધારીને રૂૂ. 9.15 કરવામાં આવ્યો છે. બીજી તરફ, પોલિએસ્ટર યાર્ન (POY)ના ભાવ નિયમનકારી અંકુશના અભાવે રૂૂ. 140-150થી વધીને રૂૂ. 180 પ્રતિ કિલોની સપાટીએ અટકેલા છે.

કાપડના પ્રોસેસિંગ ક્ષેત્રે પણ મોંઘવારીનો મોટો માર પડ્યો છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિયેશન સાથે સંકળાયેલી આશરે 400 ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોએ 7 સપ્ટેમ્બરથી પ્રોસેસિંગ ચાર્જમાં 15 ટકા (લગભગ રૂૂ. 1.50 પ્રતિ મીટર)નો વધારો જાહેર કર્યો છે. મિલ માલિકોના જણાવ્યા મુજબ, યુદ્ધના કારણે ઇન્ડોનેશિયાથી આયાત થતા કોલસાના ભાવ ટન દીઠ રૂૂ. 6,000થી ઉછળીને રૂૂ. 9,500 સુધી પહોંચી ગયા છે. જોકે, આ વધારા સામે ધી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (FOSTTA)એ વિરોધ નોંધાવી મિલ માલિકોને આ નિર્ણય પાછો ખેંચવા માગણી કરી છે, જેના પગલે વેપારીઓ અને પ્રોસેસર્સ વચ્ચે ખેંચતાણ ઊભી થઈ છે.

દરરોજ 300 ટ્રક કાપડ દેશભરમાં મોકલાય છે
સુરતનું આખું ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ અંદાજે 75,000 ટ્રેડિંગ શોપ્સ, 80,000 વિવિંગ એકમો, 400 પ્રોસેસિંગ મિલો અને 18 લાખથી વધુ કામદારો સાથે સંકળાયેલું છે. દરરોજ 250 થી 300 ટ્રક ભરીને કાપડ દેશભરના રાજ્યોમાં રવાના થાય છે. જોકે, ખર્ચમાં થયેલા સતત વધારા અને વેપારીઓ તરફથી જૂના ભાવે જ માલ ખરીદવાના દબાણને કારણે શહેરમાં કાપડનું દૈનિક ઉત્પાદન 6 કરોડ મીટરથી ઘટીને 4.5 કરોડ મીટરથી પણ નીચે આવી ગયું છે. નવરાત્રિ અને દિવાળીની ખરીદી માટે દેશભરમાંથી વેપારીઓ સુરત આવી રહ્યા હોવા છતાં, ઊંચા ભાવોને કારણે બજેટ-લક્ષી ગ્રાહકો ગુણવત્તા સાથે સમાધાન કરવા મજબૂર બને તેવી ચિંતા ઉદ્યોગ જગતમાં વ્યક્ત થઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *