અમેરિકામાં નોકરી છૂટી તો તાત્કાલિક છોડવો પડશે દેશ

અમેરિકન ડ્રીમ સેવતા અને ત્યાં રહીને કામ કરતા હજારો ભારતીયો માટે એક અત્યંત માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2025 માં સત્તા પર…

અમેરિકન ડ્રીમ સેવતા અને ત્યાં રહીને કામ કરતા હજારો ભારતીયો માટે એક અત્યંત માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2025 માં સત્તા પર પરત ફરેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ઇમિગ્રેશન કાયદાઓને વધુ કડક બનાવવાની દિશામાં એક મોટું અને આઘાતજનક પગલું ભર્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) દ્વારા એચ-વનબી અને અન્ય વર્ક વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને નોકરી ગુમાવ્યા બાદ મળતો 60 દિવસનો ’ગ્રેસ પિરિયડ’ (રાહતનો સમય) સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યો છે.

વર્ષ 2017 થી અમલમાં આવેલા વર્તમાન કાયદા મુજબ, જો કોઈH-1B વિઝા ધારક વિદેશી કર્મચારીની નોકરી અચાનક છૂટી જાય, કંપનીમાં લે-ઓફ થાય કે તેને કોઈપણ કારણસર છૂટો કરવામાં આવે, તો તેને અમેરિકામાં કાયદેસર રીતે રોકાવા માટે અને નવી નોકરી શોધવા માટે 60 દિવસનો ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે. આ બે મહિનાના સમયગાળા દરમિયાન તે અન્ય કોઈ કંપનીમાં નવી નોકરી શોધીને પોતાના વિઝા ટ્રાન્સફર કરાવી શકે છે. જો નવી નોકરી ન મળે તો આ સમયનો ઉપયોગ તે પોતાના દેશ પરત ફરવાની વ્યવહારિક તૈયારીઓ (જેમ કે મકાન ખાલી કરવું, બેંકના કામ પતાવવા, બાળકોની સ્કૂલ છોડાવવી વગેરે) માટે કરી શકે છે. આનો સીધો અર્થ એ છે કે નોકરી છૂટતા જ કર્મચારીનું કાનૂની વિઝા સ્ટેટસ રદ થઈ જશે અને તેણે કોઈપણ જાતના વિલંબ વિના તાત્કાલિક અમેરિકા છોડવું પડશે.

આ નવા પ્રસ્તાવની સૌથી મોટી અને સૌથી ગંભીર અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડશે. આંકડાઓ મુજબ, અમેરિકાના પ્રતિષ્ઠિતH-1B વિઝા મેળવનારાઓમાં સૌથી મોટો હિસ્સો (લગભગ 71 થી 72 ટકા) ભારતીય નાગરિકોનો હોય છે. અમેરિકન ટેકનોલોજી કંપનીઓ ઉપરાંત ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (TCS), ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને વિપ્રો જેવી ભારતીય આઈટી કંપનીઓ પણ મોટી સંખ્યામાં આ વિઝા મારફતે કર્મચારીઓને અમેરિકા મોકલે છે.

છટણીના આજના અનિશ્ચિત સમયમાં જો આ નિયમ લાગુ થશે, તો અમેરિકામાં વર્ષોથી સ્થાયી થઈને કરિયર બનાવનાર હજારો ભારતીયો અને તેમના પરિવારો રાતોરાત મુશ્કેલીમાં મુકાઈ જશે. બીજી કંપનીમાં ઇન્ટરવ્યુ અને વિઝા ટ્રાન્સફરની લાંબી પ્રક્રિયા માટે તેમને કોઈ જ સમય નહીં મળે. અમેરિકન સરકાર અને ડીએચએસના સત્તાવાર નિવેદન અનુસાર, આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય સિસ્ટમની વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવાનો અને નોકરી વગરના વિદેશી નાગરિકોનું રોકાણ અટકાવવાનો છે. સરકારનું માનવું છે કે વિદેશી કર્મચારીઓ જવાથી જે ખાલી જગ્યાઓ પડશે, ત્યાં યોગ્ય લાયકાત ધરાવતા અમેરિકન નાગરિકોને નોકરીની વધુ તકો મળી શકશે. આ અગાઉ ટ્રમ્પ પ્રશાસનેH-1B વિઝાની અરજી ફીમાં પણ અધધ વધારો કરીને તેને 1 લાખ ડોલરથી વધુ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

આ નવો નિયમ માત્રH-1B વિઝા પૂરતો જ સીમિત નથી, પરંતુ તે E-1, E-2, E-3, L-1, O-1 અને TN જેવા અન્ય પ્રોફેશનલ વર્ક વિઝા ધારકોને પણ સમાન રીતે લાગુ પડશે. જોકે, ભારતીયો માટે હાલ રાહતની વાત માત્ર એટલી છે કે આ માત્ર એક સૂચિત પ્રસ્તાવ છે. તેને કાયદાકીય સ્વરૂૂપ આપતા પહેલા બે મહિના (60 દિવસ) માટે ’પબ્લિક કોમેન્ટ’ (જાહેર જનતાના અભિપ્રાય અને વાંધા-સૂચનો) માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ જાહેર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ પાસાઓ ચકાસીને જ આ નિયમના અંતિમ અમલીકરણ અંગે અમેરિકન સરકાર આખરી નિર્ણય લેશે. ત્યાં સુધી જૂનો નિયમ જ અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *