PWDના નિવૃત્ત કર્મચારી પરિવારના આપઘાત પ્રકરણમાં અંતે ફાયનાન્સર સામે નોંધાતો ગુનો

શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા અંજતા પાર્ક-1માં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. સોનાની વીંટીઓ ધિરાણ સંસ્થામાંથી…

શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા અંજતા પાર્ક-1માં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. સોનાની વીંટીઓ ધિરાણ સંસ્થામાંથી છોડાવી આપ્યા બાદ રૂૂ. 97,000ની વધારાની પઠાણી ઉઘરાણી કરી યુવકને માનસિક તથા શારીરિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવા અંગે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.આ કરૂૂણ ઘટનામાં 32 વર્ષીય યુવક નિશીત દિલીપભાઈ ખખ્ખર, તેમના 72 વર્ષીય પિતા દિલીપભાઈ ખખ્ખર અને 65 વર્ષીય માતા સ્મિતાબેન ખખ્ખરે તા. 27 જુલાઈ 2026ના રોજ પોતાના ઘરે એકીસાથે સેલ્ફોસ નામની ઝેરી દવા પીને જીવનલીલા સંકેલી લીધી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર, મૃતક નિશીત ખખ્ખરે પોતાની સોનાની બે વીંટી પુનાવાલા ફાઇનાન્સ રાજકોટ ખાતે ગીરવે મૂકી લોન લીધી હતી. આરોપી સંદિપ લલીતભાઈ લખતરીયાએ નિશીતને સાથે રાખી પોતાના નાણાં આપી આ વીંટીઓ છોડાવી લીધી હતી અને વીંટીઓ પોતાની પાસે રાખી લીધી હતી.ત્યારબાદ આરોપી સંદિપ લખતરીયાએ નિશીતને એસ્ટ્રોન ચોક સ્થિત લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આવેલી પોતાની ઓફિસે બોલાવ્યો હતો.ત્યાં તેને ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને વીંટીઓની મૂળ બજાર કિંમત ગણી, છોડાવવા માટે આપેલી રકમ બાદ કર્યા પછી વધારાના રૂૂ. 97,000 ની ગેરકાયદે માંગણી કરી હતી. નાણાંની સગવડ નહીં થાય તો ઓફિસેથી ઘરે જવા દેવામાં નહીં આવે તેવી ધમકી આપી નિશીત પાસે તેના પિતાને ફોન કરાવ્યો હતો.

આ ઘટના સમયે પિતા અને પુત્ર વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે, જેમાં પરિવારની ભારે આર્થિક લાચારી અને માનસિક ભાંગતોડ છતી થઈ હતી.આરોપીના અસહ્ય ત્રાસથી કંટાળી આખરે નિશીત ઘરે પહોંચ્યા બાદ ત્રણેય સભ્યોએ એકસાથે ઝેર ગટગટાવી લીધું હતું.આ બનાવ અંગે પોલીસ કર્મચારી અને મૃતકના કૌટુંબિક ભાઈ ભાવિનભાઈ રસિકભાઈ ખખ્ખરે લોહાણા સમાજના સામાજિક આગેવાનો તથા મિતેશભાઈ રૂૂપારેલીયાની સાથે રહી ફરિયાદ નોંધાવી છે.પરિવાર શોકમાં હોવાને કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. પોલીસે આરોપી સંદિપ લખતરીયા સામે બીએનએસ કલમ 108, 127(7) અને 351(2) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ હિતેશ મેરામણભાઈ ચાવડાએ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *