ભાવનગરના લોકમેળામાંથી નકલી PSI ઝડપાયો, SITનું કાર્ડ પણ મળી આવ્યું

પૂછપરછ કરતા ‘હીરાઘસુ’ હોવાનું ખુલ્યું, રાઇડોમાં ‘મફત’માં ‘મોજ’ માણવા પીએસઆઇ બન્યો! ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં ખાખી વર્ધી અને હોદ્દાનો રોફ જમાવીને સહેલગાહ…

પૂછપરછ કરતા ‘હીરાઘસુ’ હોવાનું ખુલ્યું, રાઇડોમાં ‘મફત’માં ‘મોજ’ માણવા પીએસઆઇ બન્યો!

ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં ખાખી વર્ધી અને હોદ્દાનો રોફ જમાવીને સહેલગાહ કરતા એક બોગસ પોલીસ અધિકારીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર S.I.Tના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈડેન્ટિટી કાર્ડ બતાવી લોકમેળાની વિવિધ રાઈડ્સમાં મફત મજા માણતા ભુંભલી ગામના એક રત્નકલાકારને પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની ધોંસ બોલાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેર ના જવાહર મેદાન ખાતે યોજાયેલા લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સઘન પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન પોલીસ ટીમને એક ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે, મેળાના વિસ્તારમાં એક શખ્સ પોતાની પાસે પોલીસ અધિકારીનું આઈ-કાર્ડ હોવાનો દાવો કરી જુદી જુદી રાઈડોમાં બેસીને મફત મનોરંજન માણી રહ્યો છે અને લોકો પર રોફ જમાવી રહ્યો છે. બાતમીના આધારે સક્રિય થયેલી પોલીસે તાત્કાલિક દરોડો પાડીને શંકાસ્પદ હાલતમાં ફળતા શખ્સને ઘેરી લઈ તેની અટકાયત કરી હતી.

પોલીસે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જગદીશ ડાહ્યાભાઈ મકવાણા (રહે. રામપર ગામ, ભુંભલી) હોવાનું જણાવ્યું હતું. સ્ટાફે તેની તલાશી લેતાં તેની પાસેથી ’ગુજરાત પોલીસ’ લખેલું અને ગાંધીનગર S.I.Tના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનું એક આઈ-કાર્ડ મળી આવ્યું હતું. જોકે, આ આઈ-કાર્ડમાં મોબીન ઈકબાલભાઈ સોડાગર નામ લખેલું હતું. મૂળ વ્યવસાયે રત્નકલાકાર એવા આ શખ્સે અન્ય વ્યક્તિના નામ અને રાજ્ય સેવકના ખોટા હોદ્દાનો દુરુપયોગ કરીને આ બનાવટી આઈડી કાર્ડ બનાવડાવ્યું હોવાનું સામે આવ્યું હતું.

ઘોઘારોડ પોલીસે આ નકલી આઈ-કાર્ડ તાત્કાલિક અસરથી કબજે કરી લીધું છે અને આરોપી જગદીશ મકવાણા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ આ બોગસ આઈ-કાર્ડ ક્યાંથી અને કોની પાસે બનાવડાવ્યું હતું, તેમજ ભૂતકાળમાં આ નકલી કાર્ડનો ઉપયોગ કરીને કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કે અન્ય લોકો સાથે છેતરપિંડી આચરી છે કે કેમ, તે તમામ પાસાઓ પર પોલીસ હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *