ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)થી મોટી ખીલોરી રોડ પર મામા દેવના મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા સીએનજી સુપર કેરી ટેમ્પોના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતાં બાઇક પર પાછળ બેઠેલા 22 વર્ષીય યુવકનું ગંભીર ઇજાઓ પહોંચવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. આ મામલે સુલતાનપુર પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દેરડી (કુંભાજી) ગામે રહેતા દિલીપભાઈ રૂૂડાભાઈ ચાવડાનો 22 વર્ષીય પુત્ર કિશન પોતાના જ ગામના દિનેશભાઈ બચુભાઈ સોલંકીના મોટરસાઇકલ પાછળ બેસીને મોટી ખીલોરી ગામ તરફ કામ અર્થે જઈ રહ્યો હતો. આ દરમિયાન દેરડી-મોટી ખીલોરી રોડ પર મામા દેવના મંદિર પાસે પહોંચતાં સામેથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા સીએનજી સુપર કેરી ટેમ્પો (GJ-14-Z-7782) ના ચાલકે મોટરસાઇકલને સામેથી જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં કિશનને છાતીના ડાબા ભાગે તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે મોટરસાઇકલ ચલાવી રહેલા દિનેશભાઈ સોલંકીને પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.
રાજકોટ વિદ્યાનગર રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 6 દિવસની સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો. પુત્રની સારવાર અને અંતિમ વિધિમાં વ્યસ્ત હોવાના કારણે મૃતક યુવકના પિતા દિલીપભાઈ ચાવડાએ સુલતાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું. સુલતાનપુર પોલીસે સીએનજી સુપર કેરી ટેમ્પો ના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ કલમો તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
