એશિયાની સૌથી મોટી તાલુકા કક્ષાની સહકારી સંસ્થા રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની 15 પૈકી 10 બેઠકો બિનહરિફ થયા બાદ આજે બાકીની પાંચ બેઠકો માટે મતદાન થયુ હતુ અને આવતીકાલે સવારે પરિણામો જાહેર થનાર છે ત્યારે પરિણામો ઉપર સહકારી જગતની મીટ મંડાયેલી છે.
આ પાંચ બેઠકની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની લડાઇ હોવા છતાં ગઇકાલે ભાજપે પાંચ ઉમેદવારોના નામનો વ્હીપ આપ્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં પરિણામો ઉલ્ટા-પુલ્ટા આવે અને પાંચમાંથી ત્રણેક બેઠકો ઉપર બળવાખોરો ફાવી જાય તેવી શકયતા દર્શાવાય છે.
આજે પાંચ બેઠકો કુવાડવા, માધાપર, ખોખડદડ, ત્રંબા અને હલેન્ડાન ચૂંટણી યોજાય તે પૂર્વે ભાજપે કુવાડવામાં અરવિંદ રૈયાણી, માધાપરમાં પૃથ્વીસિંહ (ઘોધુભા) જાડેજા, ખોખડદડમાં બાબુ નસીત, ત્રંબામાં નીતિન રામાણી અને હલેન્ડામાં મહેશ આસો દરીયાના નામનો વ્હીપ આપ્યો હતો. પરંતુ વ્હીપ મુજબ મતદાન થવા અંગે શંકા છે. ભાજપમાં જ આંતરિક સ્પર્ધા હોવાથી બે-ત્રણ બેઠકો પર વ્હીપનો ઉલાળીયો આવે તવી શકયતા છે.
ખાસ કરીને કુવાડવા બેઠક ઉપર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તથા ઘંટેશ્ર્વર બેઠક ઉપર પૃથ્વીસિંહ જાડેજા પરિણામો તરફ સૌની નજર છે. ખોખડદડ બેઠક ઉપર ચારમાંથી ત્રણ મત પડી ગયા હતા.
પરંતુ શૈલેષ પરસાણા જિલ્લા પંચાયત પ્રમુખ બંગલે ઉપસ્થિત હોવા છતાં મતદાન કરવા નહીં પહોંચતા તેની ગેરહાજરી વ્યુહાત્મક મનાય છે. આ બેઠક ઉપર બાબુભાઇ નસીતને બચાવવા પરસાણાને વોટિંગથી દૂર રખાયાની ચર્ચા છે.
જ્યારે ત્રંબા અને હલેન્ડામાં ભાજપની પાર્ટીલાઇનમાં જ મત પડે તેવા નિર્દેશો છે. પાંચ બેઠકના કુલ 21 પૈકી 20 મત પડયા હતા. જ્યારે ખોખડદડ બેઠક ઉપર ચારમાંથી 3 મત જ પડ્યા હતા.
આ ચૂંટણીમાં એક મતદારને ઉપાડી જવા અને હરિફ જૂથ દ્વારા દ્વારકાથી પરત લાવવાની ઘટના બાદ માધાપર બેઠકના ઉમેદવાર વિજય સખિયાએ પોલીસ રક્ષણ પણ માંગ્યુ હતુ. આજે મતદાન દરમિયાન સહકારી ક્ષેત્રમાં આગેવાનોનો જમાવડો જોવા મળ્યો હતો.
