કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે દ્વારિકા નગરીએ સજ્યા સોળે શણગાર

ભગવાન શ્રી કૃષ્ણના જન્મપર્વ જન્માષ્ટમી મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં જન્મોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. લાખો શ્રદ્ધાળુઓના…

ભગવાન શ્રી કૃષ્ણના જન્મપર્વ જન્માષ્ટમી મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં જન્મોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. લાખો શ્રદ્ધાળુઓના આગમનની સંભાવનાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, નગરપાલિકા સહિત વિવિધ વિભાગો દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકાધીશના સપ્તમજલીય જગતમંદિરને દર વર્ષની પરંપરા મુજબ આકર્ષક અને કલાત્મક ફોકસ લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. બહુરંગી રોશનીમાં ઝળહળતું જગતમંદિર રાત્રિના સમયે અનોખું દૃશ્ય સર્જી રહ્યું છે અને દૂરથી પણ મંદિરની ભવ્યતા નજરે પડી રહી છે. જન્માષ્ટમીના દર્શન માટે ભક્તોની અવરજવર સુવ્યવસ્થિત રહે તે માટે છપ્પન સીડી તરફના સ્વર્ગદ્વારથી પ્રવેશ અને મંદિર ચોક તરફના મોક્ષદ્વારથી નિકાસની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આવતીકાલે ગોકુલ આઠમની મધરાત્રે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થનાર છે. તે પૂર્વે ભાવિકોનું ઘોડાપુર દ્વારકામાં ઉમટ્યુ છે અને યાત્રિકોનો અવિરત પ્રવાહ દ્વારકા ભણી આવી રહ્યો હોવાથી હોટેલો, ગેસ્ટહાઉસો, ધર્મશાળાઓ અને ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓના ઉતારા હાઉસફૂલ થઇ ગયા છે. જન્માષ્ટમી તહેવારના કારણે દ્વારકાધીશ મંદિરની સાથે સમગ્ર દ્વારિકાનગરી આકર્ષક રોશનીથી ઝળહળતી કરી દેવામાં આવી છે.
જન્માષ્ટમીના દિવસોમાં દ્વારકા તરફ આવતાં વાહનોની સંખ્યામાં ભારે વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી શહેરમાં વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. પ્રવેશ માર્ગો પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક વ્યવસ્થા સરળ અને સુચારુ રહે તે માટે જાહેરનામા મુજબ માર્ગ વ્યવસ્થા ગોઠવી વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ટ્રાફિક શાખાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જવાનો દ્વારા સતત દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે.

જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને દ્વારકા ઉપરાંત આસપાસના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પણ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા અને ગોપી તળાવ જેવા તીર્થસ્થાનોમાં મોટી સંખ્યામાં ભાવિકો પહોંચશે. સાથે સાથે શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ અને સંગમનારાયણ ચોપાટી જેવા પ્રવાસન સ્થળોએ પણ સહેલાણીઓનો ધસારો વધવાની સંભાવના છે.

જગતમંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાના હોવાથી તંત્ર દ્વારા દર્શન વ્યવસ્થાને વધુ સરળ બનાવવા શહેરના વિવિધ સ્થળોએ વિશાળ એલઈડી સ્ક્રીનો ગોઠવવામાં આવી છે. મંદિરથી દૂર રહેલા શ્રદ્ધાળુઓ પણ સ્ક્રીન મારફતે ઠાકોરજીના દર્શન કરી શકે તે માટે સતત દર્શન પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે.
જન્માષ્ટમીની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા તા. 4 સપ્ટેમ્બરે દ્વારકાના હાથી ગેટ નજીકના ગ્રાઉન્ડ ખાતે દ્વારકા ઉત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી સહિતના જાણીતા કલાકારો દ્વારા સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવશે. ઝાંઝરી ગ્રૂપ પણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.

2000થી વધુ પોલીસ કર્મીઓ રહેશે ખડેપગે
જન્માષ્ટમી પર્વ દરમિયાન દ્વારકા, બેટ દ્વારકા, જગતમંદિર વિસ્તાર, નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિતના મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એસપી, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિત અંદાજે 125 જેટલા અધિકારીઓ ઉપરાંત જીઆરડી, એસઆરપી, ટીઆરબી સહિત કુલ 2000 થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. એલસીબી, એસઓજી, ક્યુઆરટી, શી-ટીમ સહિતની વિશેષ ટીમો પણ કાર્યરત રહેશે. હેલ્પડેસ્ક અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા યાત્રાળુઓને જરૂૂરી સહાય પૂરી પાડવામાં આવશે. ડ્રોન કેમેરા અને સીસીટીવી નેટવર્ક મારફતે પણ સતત નજર રાખવામાં આવશે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપીની દેખરેખમાં સુરક્ષા વ્યવસ્થાને આખરી સ્વરૂૂપ આપવામાં આવી રહ્યું છે.

ગોમતી ઘાટ પર પોલીસ સાથે NDRFની બોટ ટીમ તૈનાત
વિશ્વવિખ્યાત દ્વારકાધીશ મંદિર ખાતે ઉજવાતા જન્માષ્ટમી મહોત્સવને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા તેમજ સુવિધાને પ્રાથમિકતા આપી વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમિયાન મોટી સંખ્યામાં આવનારા ભાવિકો સુચારુ અને સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.ખાસ કરીને પવિત્ર ગોમતી નદીના કાંઠે યાત્રાળુઓની ભારે ભીડ રહેતી હોવાથી અહીં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગોમતી ઘાટ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે નદીના પાણીમાં પણ એનડીઆરએફની ટીમને બોટ સહિત તૈનાત કરવામાં આવી છે. ગોમતી સ્નાન દરમિયાન કોઈ યાત્રિક અકસ્માતે પાણીમાં ડૂબી ન જાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બચાવ અને સુરક્ષા વ્યવસ્થાને સજ્જ કરવામાં આવી છે. (તસવીર : કુંજન રાડિયા)

પાર્કિંગ માટે QR કોડ સ્કેન કરી માહિતી મેળવી શકાશે
આગામી તા.04 સપ્ટેમ્બરના રોજ ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉમંગભેર કરવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે ત્યારે કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જરૂૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જન્માષ્ટમી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઈ તે માટે જરૂૂરી બંદોબસ્તની ગોઠવવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમ્યાન શ્રદ્ધાળુઓ કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે ડિજિટલ માધ્યમના ઉપયોગ થકી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પાર્કિંગ સ્થળોના કયુ આર કોડ સ્કેન કરી નિયત પાર્કિંગ સ્થળની માહિતી પ્રાપ્ત થઈ શકશે. આ પાર્કિંગ સ્થળે વાહન પાર્કિંગ કરવા તેમજ આ પહેલમાં સહકાર આપવા નાગરિકોને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *