રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર પાણસીણા નજીક એક હોટલમાં રાજકોટ રેન્જ આઈજી પર કેમિકલ ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. કટારીયા ગામની સીમમાં આવેલી યુ.પી. બિહાર ઢાબા હોટલના પાર્કિંગમાંથી ટેન્કર માલિકની જાણ બહાર કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. પોલીસે રૂૂ.45.29 લાખના મુદ્દમાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે.
મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજિ નિર્લિપ્ત રાય દ્વારા હાઇવે પરની હોટલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં સુચના આપવામ આવી હોય જે, અંતર્ગત, રાજકોટ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કટારીયા ટોલનાકા નજીક આવેલી યુ.પી. બિહાર ઢાબા હોટલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.
દરોડામાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કાઢવામાં આવેલું કેમિકલ હોટલ ખાતે સંગ્રહિત હાલતમાં મળી આવ્યું. પોલીસે કેમિકલ ભરેલું ટેન્કર અને કેમિકલ ચોરીમાં વપરાયેલા સાધનો સહિત કુલ 45.29 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ઉત્તરપ્રદેશના માજીદ વાહિદ અલી અને અંકેવાળીયાના સાહિલ ફિરોજભાઈ મુલ્તાનીની અટકાયત કરવામાં આવી છે. જોકે, ઇકલાખખાન, ચુડાના જયરાજસિંહ ભુપતસિંહ રાઠોડ અને જયવીરભાઈ કાઠી ફરાર છે. તમામ આરોપીઓ વિરુદ્ધ પાણસીણા પોલીસ સ્ટેશનમાં કેમિકલ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ ચાલુ છે.
