સિવિલ હોસ્પિટલમાં યલો ફિવરની રસી ખલાસ, વિદેશ જતા મુસાફરો મુશ્કેલીમાં

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ’યલો ફીવર’ સામે રક્ષણ આપતી રસીનો જથ્થો પૂર્ણ થઈ જતાં વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા મુસાફરો માટે મોટી મુશ્કેલી ઊભી…

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ’યલો ફીવર’ સામે રક્ષણ આપતી રસીનો જથ્થો પૂર્ણ થઈ જતાં વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા મુસાફરો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. ખાસ કરીને આફ્રિકા અને દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ’યલો ફીવર વેક્સિનેશન સર્ટિફિકેટ’ મેળવવું કાયદાકીય રીતે અનિવાર્ય હોય છે. પરંતુ સૌરાષ્ટ્રના આ મુખ્ય કેન્દ્ર પર રસી ઉપલબ્ધ ન હોવાને કારણે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને ના છૂટકે અમદાવાદના ધક્કા ખાવા પડી રહ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ એ માત્ર રાજકોટ શહેર જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના મુસાફરો માટે રસીકરણનું મુખ્ય કેન્દ્ર છે, દર બુધવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યલો ફીવરની રસી આપવામાં આવે છે. પરંતુ છેલ્લા એક મહિનાથી રસીનો સ્ટોક ખલાસ થઈ જવાને કારણે હવે જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર અને મોરબી જેવા વિવિધ જિલ્લાઓમાંથી આવતા લોકોને નાછૂટકે અમદાવાદ સુધીનો લાંબો અને ખર્ચાળ પ્રવાસ કરવો પડે છે. આના પરિણામે મુસાફરોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે.

આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ચોક્કસ નિયુક્ત દેશોમાં પ્રવાસ કરતા ભારતીય મુસાફરો માટે મુસાફરીના ઓછામાં ઓછા દસ દિવસ પહેલા યલો ફીવરની રસી લેવી ફરજિયાત છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ આ રસી લીધાનું સર્ટિફિકેટ માંગે છે. આ રસીકરણ 10 વર્ષ માટે માન્ય ગણાય છે, પરંતુ રસીકરણ પ્રમાણપત્ર ન હોય તો મુસાફરોએ ક્વારેન્ટાઇન સેન્ટરમાં સાત દિવસ વિતાવવા પડે છે.

કેન્દ્ર સરકાર તરફથી સ્ટોક ન આવવાને કારણે છેલ્લા બે મહિનાથી યલો ફીવર રસીની ભારે અછત સર્જાઈ છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપની જે આ રસીનું ઉત્પાદન કરે છે. આ ફાર્મા કંપની તરફથી કેન્દ્ર સરકારે રાજ્યોને રસીનો પુરવઠો પૂરો પાડ્યો નથી જેના કારણે યલો ફીવરની રસીની અછત સર્જાઈ છે. જેના કારણે વિદેશ જતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદ ખાતે રસીકરણ માટે ઓનલાઇન સ્લોટ મેળવવામાં લાંબી પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે. તેમજ સમયસર રસી ન મળવાને કારણે મુસાફરોની ફ્લાઇટ ટિકિટ અને વિઝા પ્રોસેસિંગમાં વિલંબ થઈ રહ્યો છે. ઉપરાંત અમદાવાદ જવા-આવવાનો પ્રવાસ ખર્ચ તથા સમયનો બગાડ અરજદારો માટે ચિંતાનો વિષય બન્યો છે. વિદેશ જતાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પ્રવાસીઓએ આ વિષયે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને આરોગ્ય વિભાગ તથા રાજ્ય સરકાર પાસે સત્વરે યલો ફીવરની રસીનો પૂરતો જથ્થો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાવવા અપીલ કરી છે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો પ્રવાસીઓની મુશ્કેલીઓ વધુ વધી શકે તેમ છે.

રાજકોટમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ કાચા માલની ખરીદી, એન્જિનિયરિંગ સાધનોના નિકાસ અને સોના-હીરાના વ્યવસાય અર્થે આફ્રિકન દેશોની મુલાકાતે જતા હોય છે. રાજકોટના 150 ફીટ રિંગ રોડ પર રહેતા અને આફ્રિકામાં પોતાના બિઝનેસ સેટઅપ માટે જઈ રહેલા પ્રવાસીએ જણાવ્યું હતું કે, “મારે બિઝનેસ વિઝા મળી ગયા છે પણ યલો ફીવર સર્ટિફિકેટ વગર એરલાઇન્સ ટિકિટ ક્ધફર્મ કરતી નથી.

રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ, કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં તપાસ કરી પરંતુ ક્યાંય રસી ઉપલબ્ધ નથી.” રાજકોટના સ્થાનિક પ્રવાસન ધીરેનભાઈના જણાવ્યા મુજબ, દર મહિને સૌરાષ્ટ્રમાંથી અનેક લોકો આફ્રિકાના દેશોમાં પ્રવાસે જાય છે. આ રસીની માન્યતા 10 વર્ષની હોય છે, તેથી જૂના પ્રવાસીઓને વાંધો નથી આવતો પરંતુ જેઓ પ્રથમ વખત પ્રવાસ કરી રહ્યા છે અથવા જેમની 10 વર્ષની મુદત પૂરી થઈ ગઈ છે તેઓ અટવાયા છે.

આ અંગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના સત્તાધીશો જણાવે છે કે, યલો ફીવરની રસી સેન્ટ્રલ ગવર્મેન્ટના સપ્લાય નેટવર્ક હેઠળ આવે છે. રાજકોટ પીડીયું હોસ્પિટલ દ્વારા બે માસ પૂર્વે જ રાજ્યના આરોગ્ય વિભાગને આ રસીનો જથ્થો પૂરો પાડવા માંગ કરી હતી જોકે હજુ સુધી આ રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ભારે ખેંચ ઊભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *