જન્માષ્ટમીએ જ રેશનકાર્ડ ધારકોની થાળીમાંથી ખાંડ ગાયબ !

હાલ સતત ખાંડના ભાવ વધી રહ્યા છે. તો બીજી બાજુ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવતા રેશનિંગના જથ્થામાં ઓનલાઈન પોર્ટલની ખામી સામે આવી…

હાલ સતત ખાંડના ભાવ વધી રહ્યા છે. તો બીજી બાજુ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવતા રેશનિંગના જથ્થામાં ઓનલાઈન પોર્ટલની ખામી સામે આવી છે. સપ્ટેમ્બર માસ માટે ખાંડના જથ્થાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ચલણ જનરેટ ન થવાને કારણે રાજ્યના આશરે 35 ટકા જેટલા દુકાનદારો ખાંડનો જથ્થો મેળવી શક્યા નથી. આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને ખાંડ નહીં મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને ’ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન’ દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાંડનું વિતરણ કરવાનું હોય ત્યારે તેના 15 દિવસ અગાઉથી પરમિટ આપવા, ચલણ જનરેટ કરવા અને ગોડાઉનથી દુકાન સુધી જથ્થો પહોંચાડવાની પ્રક્રિયા થતી હોય છે. સપ્ટેમ્બર માસ માટે 21 થી 25 ઓગસ્ટ દરમિયાન દુકાનદારોએ પૈસા ભરીને ઓનલાઈન ચલણ જનરેટ કરવાનું હતું. પરંતુ, ટૂંકી મુદ્દત અને સર્વરની ખામીના કારણે રાજ્યના 35 ટકા જેટલા દુકાનદારો આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા ન હતા.

ત્યારબાદ સરકારે ચલણ ભરવાની મુદ્દત વધારીને 25 થી 31 ઓગસ્ટ સુધીની કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે, આ એક્સટેન્શન પીરિયડમાં સરકારે ’ખાંડ’ને બાકાત રાખી દીધી હતી. જેના પરિણામે જે 65 ટકા દુકાનદારોએ પહેલા ચલણ ભરી દીધા હતા. તેમને સપ્ટેમ્બર માસમાં ખાંડ મળશે, જ્યારે બાકીના 35 ટકા દુકાનદારોની દુકાને ખાંડનો પુરવઠો પહોંચશે નહીં. આનો સીધો અર્થ એ થાય છે કે એક જ શહેરમાં કે એક જ વિસ્તારમાં આવેલી બે અલગ-અલગ દુકાનોમાંથી એક જગ્યાએ ગ્રાહકોને ખાંડ મળશે, જ્યારે બીજી જગ્યાએ ગ્રાહકોએ ખાલી હાથે પરત ફરવું પડશે.

આગામી મહિનાઓમાં દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. આ સમયગાળામાં ગરીબ પરિવારો માટે મીઠાઈ બનાવવાનું અને ખાવાનું વિશેષ મહત્વ હોય છે. રાજ્ય સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓ હેઠળ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રાહત દરે દાળ, ચણા, મીઠું, તેલ અને ખાંડ આપે છે. હિતુભા જાડેજાએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, “હાલમાં ખુલ્લા બજારમાં ખાંડનો ભાવ બમણાથી વધુ થઈ ગયો છે, એટલે કે ખાંડ ગરીબો માટે ખૂબ જ ’કડવી’ બની ગઈ છે. આવા સમયે ગરીબોને મોઢેથી સરકાર ખાંડ ઝુંટવી લેવા માંગતી હોય તેવો ઘાટ ઘડાયો છે. જો બજારમાં કોઈ વસ્તુના ભાવ વધે તો સરકારે રેશનિંગ વ્યવસ્થા દ્વારા ગરીબોને તે પૂરી પાડવી જોઈએ, તેના બદલે અહીં વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે.”

એસોસિએશનના જણાવ્યા અનુસાર, સરકાર પાસે ખાંડના જથ્થાની કોઈ અછત નથી. દુકાનદારોએ પોતાના સ્તરે ગોડાઉનોમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે સપ્ટેમ્બર માસના વિતરણ માટેનો 100 ટકા ખાંડનો જથ્થો સરકારી ગોડાઉનોમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. જો ગોડાઉનમાં જથ્થો પડેલો જ હોય, તો માત્ર નિયત સમયમર્યાદામાં ચલણ ન ભરી શકવાના ટેકનિકલ કારણોસર દુકાનદારો અને લાખો ગ્રાહકોને ખાંડથી વંચિત રાખવાનો સરકારનો આ નિર્ણય તર્કહીન છે. સરકારે જાતે જ ઉભી કરેલી આ ’વૈમનસ્ય’ વાળી નીતિના કારણે ભવિષ્યમાં દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થવાની પુરેપુરી શક્યતા છે.

આંકડાકીય માહિતી આપતા હિતુભાએ જણાવ્યું હતું કે, એકલા રાજકોટ શહેરમાં અંદાજે 175 અને રાજકોટ જિલ્લામાં 700 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. આ ખામીના કારણે રાજકોટ જિલ્લાના અંદાજે 50,000 જેટલા રેશનકાર્ડ ધારકો ખાંડ મેળવવાથી વંચિત રહી શકે છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં અંદાજે 72 લાખ જેટલા ગઋજઅ (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) કાર્ડધારકો છે, જેમાંથી લાખો પરિવારોની થાળીમાંથી સપ્ટેમ્બર મહિનામાં ખાંડ ગાયબ થઈ જશે.

ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશને સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી મૂકી છે કે રાજ્યના તમામ ગરીબ, બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને તેમના હકની પૂરેપૂરી ખાંડ મળવી જ જોઈએ. આગામી દિવસોમાં એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાએ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સમક્ષ આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. જો સરકાર તાત્કાલિક ધોરણે બાકી રહેલા દુકાનદારોના ખાંડના ચલણ સ્વીકારવાની છૂટ નહીં આપે અને દિવાળીના તહેવારોમાં ગરીબોને મીઠાશથી વંચિત રાખશે, તો એસોસિએશન દ્વારા આ મુદ્દે વધુ આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘર્ષણ ન થાય તે માટે વહેલી તકે સર્વરની સમસ્યા હલ કરી નવેસરથી ચલણ પ્રક્રિયા શરૂૂ કરવી અત્યંત આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *