રાજકોટ-લોધીકા ખરીદ-વેચાણ સહકારી સંઘની આગામી તા.9ના રોજ યોજાનાર ચૂંટણીનું ચિત્ર અંતે સ્પષ્ટ થયું છે. સંઘની 15 પૈકીની 10 બેઠકો બિનહરિફ જાહેર થઇ છે. જયારે પાંચ બેઠકો ઉપર ભાજપ સામે ભાજપની લડાઇ નિશ્ર્ચીત બની છે. ભાજપના મોવડીઓએ તમામ બેઠકો બિનહરીફ થાય તે માટે તનતોડ પ્રયાસો કર્યા હતા પરંતુ પાંચ બેઠકોમાં ભાજપના જ ઉમેદવારો જીદે ચડી જતાં હવે ચૂંટણી યોજાનાર છે.
બીજી તરફ બન્ને તરફ ભાજપના જ ઉમેદવારો લડતા હોવાથી બિલેશ્ર્વર ખાંડ ઉદ્યોગવાળી થવાના ડરે ભાજપે આજ સુધી કોઇ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા નથી અને ‘જે જીતે તે આપણા’વાળી નીતિ અપનાવી છે.
આ ચૂંટણીમાં પુર્વમંત્રી અરવિંદ રૈયાણીની બેઠક ઉપર સૌની નજર છે. અરવિંદ રૈયાણીને હરાવવા ભાજપના ચારમાંથી ત્રણ જુથ સક્રિય હોવાનું મનાય છે.
ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે બપોર સુધીમાં રાજકીય પક્ષો અને જૂથો વચ્ચે ભારે સમજાવટ અને બેઠકોનો દોર ચાલ્યો હતો. અંતે 15 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લેતાં 10 બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે, જ્યારે બાકી રહેલા પાંચ બેઠકોમાં ચૂંટણી યોજાશે.
જે પાંચ બેઠકોમાં ચૂંટણી થનાર છે તેમાં જૂથ નં. 1માં નિતીનભાઈ લીંબાભાઈ ચોવટીયા વિરુદ્ધ અરવિંદભાઈ ગોરધનભાઈ રૈયાણી, જૂથ નં. 2માં વિજયભાઈ ચનાભાઈ સખીયા વિરુદ્ધ પૃથ્વીસિંહ હેમંતસિંહ જાડેજા, જૂથ નં. 5માં હરજીભાઈ રાણાભાઈ પિપળીયા, બાબુભાઈ બાવનજીભાઈ નસીત, જુથ નં.6માં અનિરુદ્ધસિંહ બહાદુરસિંહ જાડેજા અને નિતીનભાઈ રણછોડભાઈ રૈયાણી તથા જૂથ નં. 10માં મહેશભાઈ પ્રાગજીભાઈ આસોદરીયા વિરુદ્ધ ધીરૂૂભાઈ ટપુભાઈ રોકડની લડાઇ છે.
આ ચૂંટણીમાંથી પક્ષ અને આગેવાનોની સમજાવટ બાદ હરજીભાઈ અજાણી (ગવરીદડ), ભુપેન્દ્રસિંહ જાડેજા (વાજડીગઢ), રાજદીપસિંહ જાડેજા (વાવડી), શૈલેષભાઈ પરસાણા (રાજકોટ), ગૌરવસિંહ જાડેજા (તેબચડા), ચિરાગભાઈ લીંબાશીયા, રમેશભાઈ સોરાણી (બેડલા), વિવેકસિંહ સિંધવ (ભુપગઢ), ઘનશ્યામભાઈ મહેતા, રામભાઈ જળુ (હલેન્ડા), મુકેશભાઈ કમાણી (લોધીકા), મોહનભાઈ દાફડા (ચિભડા), મનસુખભાઈ વેકરીયા (માખાવડ) અને નરેન્દ્રકુમાર ભુવા (પારડી) સહિતના 15 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે.
