સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ ધારકો માટે ગ્રીન કોરીડોર

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પીડીયુ) સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ માટે અત્યંત રાહતરૂૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ…

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પીડીયુ) સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ માટે અત્યંત રાહતરૂૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ’આભા’ કાર્ડ ધરાવતા દર્દીઓ માટે વિશેષ ’ગ્રીન કોરિડોર’ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી પહેલના કારણે દર્દીઓને કેસ કઢાવવા, ડોક્ટરને બતાવવા તેમજ દવા લેવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવામાંથી કાયમી મુક્તિ મળી છે. સિવિલ હોસ્પિટલ ખાતે વિદેશની હોસ્પિટલ જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના નવ નિયુક્ત તીબીબ અધિક્ષક ડો.કમલ ડોડીયાના માર્ગદર્શન હેઠળ આ નવી વ્યવસ્થા શરૂૂ કરવામાં આવી છે. જેમાં આભા કાર્ડ સાથે આવતા દર્દીઓ માટે અલગથી કેશ વિન્ડો કાર્યરત કરવામાં આવી છે. જે દર્દીઓ પાસે કાર્ડ હશે, તેમને કેસ બારી પર કાર્ડ દર્શાવતા જ વિનામૂલ્યે ’ગ્રીન કલરની ફાઈલ’ કાઢી આપવામાં આવશે. આ ગ્રીન ફાઈલ ધરાવતા દર્દીઓએ ઓપીડીમાં કોઈપણ વિભાગના ડોક્ટરને બતાવવા માટે સામાન્ય દર્દીઓની લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં અને તેઓ સીધા જ ડોક્ટર પાસે જઈને સારવાર બાબતે પરામર્શ મેળવી શકશે.

આ ગ્રીન કોરિડોર યોજના હેઠળ માત્ર ડોક્ટરને બતાવવા પૂરતી જ નહીં, પરંતુ દવા મેળવવા માટે પણ ખાસ સુવિધા ઊભી કરાઈ છે. દર્દીઓ દવા બારી પરની ’ગ્રીન વિન્ડો’ પરથી લાઈનમાં ઉભા રહ્યા વિના સીધી જ દવાઓ મેળવી શકશે. આ ઉપરાંત, જે નાગરિકો ’આભા કાર્ડ’ દ્વારા પોતાના મોબાઈલથી જ ઓનલાઈન કેસ નોંધણી કરાવશે, તેમને પણ હોસ્પિટલ ખાતેથી જ ફ્રી ગ્રીન ફાઈલ આપવામાં આવશે અને તેમને પણ તમામ તબક્કે પ્રાધાન્ય મળશે. આ સુવિધા માત્ર ઓપીડી દર્દીઓ પૂરતી સીમિત ન રહેતા, હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ માટે પણ અમલી બનાવાઈ છે.

સિવિલ હોસ્પિટલના પ્રશાસને જણાવ્યા અનુસાર, જે દર્દીઓ પાસે પીએમજેવાય કાર્ડ ઉપલબ્ધ હશે તેમને દાખલ થતી વખતે જ ’ફ્રી ગ્રીન દાખલ ફાઈલ’ આપવામાં આવશે. જેના આધારે યોજનાના નક્કી કરાયેલા સારવાર પેકેજ મુજબ દર્દીને સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે. તંત્રના આ સરાહનીય પગલાથી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓનો સમય બચશે અને તેમને ઝડપી તથા સરળતાથી તબીબી સેવાઓ પ્રાપ્ત થશે

આભા કાર્ડ કઢાવવા માટેની સરળ પ્રક્રિયા
આભા કાર્ડ જે તમારી ડિજિટલ હેલ્થ આઈડી છે, જેમાં તમારા તમામ તબીબી રિપોર્ટ અને હિસ્ટ્રી સ્ટોર થાય છે. જે બનાવવા માટે જરૂૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લીંક થયેલું) ,મોબાઈલ નંબર (OTP વેરિફિકેશન માટે) ABDM ની સત્તાવાર વેબસાઈટ (abha.abdm.gov.in) અથવા ABHA App પર જાઓ. તેમાં ’Create ABHA Number’’ પર ક્લિક કરી આધાર કાર્ડ નંબર ઉમેરો, આધાર સાથે લીંક મોબાઈલ પર આવેલો OTP દાખલ કરો. વિગતો વેરિફાય થયા બાદ તુરંત જ ડિજિટલ આભા કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ આભા હેલ્પડેસ્ક અથવા ઓપનિંગ બારી પર આધાર કાર્ડ દર્શાવીને સ્થળ પર જ ફ્રીમાં કેસ અને આભા આઈડી કઢાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *