નેપાળમાં આવેલા જળપ્રલયના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તેમજ નેપાળના પ્રવાસે ગયેલા મુળ ગુજરાતના અને વિવિધ દેશોમાં વસતા તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોના કુલ 25 નાગરિકો સંપર્ક વિહોણા બનતા પરિવારજનોમાં ચિંતાની લાગણી જન્મી છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આવેલી ખંઢેરી હનુમાન મંદિરના પૂજારી કામતા પ્રસાદ ઉર્ફે ગોમતીબાપુ અયોધ્યાથી નેપાળ જવા નિકળ્યા બાદ 10 દિવસથી તેમનો સંપર્ક નહીં હોવાનું જાહેર થયુ છે. આ સિવાય અમરેલીના દિનેશભાઇ પ્રાગજીભાઇ પટેલ પણ દિલ્હીથી નેપાળ પહોંચ્યા બાદ સંપર્ક વિહોણા બન્યા છે.
આ સિવાય નેપાળ આ કુદરતી આફતમાં 150થી વધુ લોકો અસરગ્રસ્ત થયાનું અને અલગ-અલગ સ્થળે આશ્રય લઇ રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.
સંપર્ક વિહોણા બનેલા ગુજરાતી પ્રવાસીઓમાં ન્યૂઝીલેન્ડના બે, 11 અમેરિકન, 3 કેનેડિયન તથા અને ઓસ્ટ્રેલિયન સિટિઝનનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના પાટીદાર સમાજના પ્રવાસીઓ છે.
ઓસ્ટ્રેલિયાથી નેપાળ ફરવા ગયેલા મૂળ અમદાવાદના ભાવિન રાવલ ગુમ છે. ભાવિન રાવલ સાથે તેમના ઓસ્ટ્રેલિયાથી આવેલા અન્ય બે મિત્ર પણ છે. પરિવારજનો સતત સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ નેપાળમાં નેટવર્કની સમસ્યાને કારણે હજુ સુધી વાત થઈ શકી નથી. આજે ભાવિન રાવલનો જન્મદિવસ પણ છે, ત્યારે પરિવારજનો માટે ચિંતા વધુ વધી છે.
પરિવારે રાજ્ય સરકારની મદદની માંગી છે. ભાવિનની પત્ની હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. તેમણે ત્યાંની ઇમિગ્રેશન ઓફિસને પણ સમગ્ર ઘટનાની જાણ કરી છે. પરિવારજનો અને મિત્રો ભાવિન સાથે સંપર્ક થવાની રાહ જોઈ રહ્યા છે.
આજ રીતે મુંબઈની ટ્રાવેલ એજન્સી મારફતે નેપાળ ગયેલું પટેલ દંપતી પણ સંપર્ક વિહોણું છે. પરિવારજન ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. તેમણે કહ્યું, મારા બનેવી મિહિર પટેલ મૂળ અમદાવાદ(મણિનગર)ના અને મારી બહેન વડોદરાની છે. બન્ને 25-30 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્ટ મારફત ન્યુઝીલેન્ડથી આવી સીધા કાઠમંડુ અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા.
છેલ્લે 23, 24 અને 25 ઓગસ્ટ સુધી કાઠમંડુની હોટલમાં રોકાયા હતા. જ્યારે અમે હોટલમાં ફોન કર્યો ત્યારે અમને જાણ થઈ હતી. અઠવાડિયા અગાઉ મારી બહેને ફોન કરીને કહ્યું હતું કે, અમે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળી રહ્યા છીએ. પરંતુ કૈલાશ માનસરોવર પહોંચ્યા પછી અમારો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
અમેરિકામાં રહેતું આણંદનું એક દંપતી પણ સંપર્ક વિહોણું છે. બિમલ પટેલ અને તેમના પત્ની જૈમિના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સમાં નેપાળ ફરવા ગયા હતા. નેપાળ પ્રવાસ બાદ બંને માનસરોવર યાત્રાએ રવાના થવાના હતા. ઘટના બની તે દિવસે બંને માન સરોવર યાત્રા માટે ચાઈનાના વિઝા લેવા એમ્બેસી પહોંચ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, જે વિસ્તારમાં પૂર આવ્યું હતું, ત્યાં જ ચીનની એમ્બેસી આવેલી હતી. ગત રવિવારે બંનેએ પરિવાર સાથે વાત પણ કરી હતી. પરંતુ ત્યારબાદથી બંનેનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.
જ્યારે મૂળ ગાંધીનગરના અને હાલ અમેરિકામાં રહેતા તેજલ પટેલ અને અમિતા અમીનના કૌટુંબિક સંબંધી કૌશિલ અમીને જણાવ્યું કે, અમારી સાથે મહિને 15 દિવસે વાત થાય છે. નેપાળ ગયા ત્યારે કોઈ વાત થઈ નહોતી. અમેરિકાથી સીધા કૈલાસ માનસરોવરના 14 દિવસના પ્રવાસે ગયા હતા. નેપાળ પહોંચ્યાના બીજા દિવસે યાત્રા શરૂૂ થવાની હતી એના બીજા દિવસે આ હોનારત થઈ હતી.
મુંબઈ રહેતા વિરલ નથવાણીએ જણાવ્યું કે, મારા પિતરાઇ ભાઈ ડો.જય દિનેશભાઈ કોટેચા અને તેમના પત્ની રોમા દિલીપભાઈ ઈંટવાલા ગત 23 ઓગસ્ટે 35 મિત્રોના ગ્રૂપમાં નેપાળ ફરવા ગયા હતા. જોકે 26મીની સવારે 7 વાગ્યા બાદથી તેનો સંપર્ક થઈ શક્યો નથી.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કાર્યાલય નેપાળ સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ સહિત અન્ય ભારતીય નાગરિકોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને જરૂૂરી માહિતીની આપ-લે કરી રહ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ મંત્રાલય દ્વારા પણ જરૂૂરી સહાય અને માહિતી પહોંચાડવાની કામગીરી તેજ કરવામાં આવી છે.
નેપાળમાં ગુમ ગુજરાતીઓની યાદી
ક્રમ નામ સિટી
1 કિન્નરી પટેલ અમદાવાદ (ન્યુઝીલેન્ડ નાગરિક )
2 મિહિર પટેલ અમદાવાદ ( ન્યુઝીલેન્ડ નાગરિક)
3 અશોકભાઈ કાપડી અમદાવાદ
4 દિનેશભાઈ પટેલ અમરેલી (યુએસ નાગરિક)
5 ભાવિનકુમાર રાવલ અમદાવાદ (ઓસ્ટ્રેલિયન નાગરિક)
6 જય દિનેશ કોટેચા રાજકોટ (હાલ મુંબઈ)
7 રોમા ઇંટવાલા વલસાડ
8 પરેશભાઈ પટેલ સુરત (યુએસ નાગરિક)
9 જ્યોતિબેન પટેલ સુરત (યુએસ નાગરિક)
10 મીનાક્ષીબેન રામાણી સુરત ( હાલ મુંબઈ)
11 બિમલકુમાર પટેલ આણંદ (યુએસ નાગરિક)
12 જૈમિનાબેન પટેલ આણંદ (યુએસ નાગરિક)
13 ઉમેશ ભોગીલાલ પટેલ ખેડા (કેનેડિયન નાગરિક)
14 આકાંક્ષાબેન ઉમેશ પટેલ ખેડા (કેનેડિયન નાગરિક)
15 ઈશાન પટેલ ખેડા (યુએસ નાગરિક)
16 અમિતા અમીન ગાંધીનગર (યુએસ નાગરિક)
17 તેજલ પટેલ ગાંધીનગર (યુએસ નાગરિક)
18 જિતેન્દ્ર પટેલ ગાંધીનગર (યુએસ નાગરિક)
19 બીના પરીખ અમદાવાદ (યુએસ નાગરિક)
20 ચૌહાણ કામતાપ્રસાદ બાબુલાલ અમરેલી
21 પદમા પટેલ આણંદ (કેનેડિયન નાગરિક)
22 જગદીશ પટેલ આણંદ (કેનેડિયન નાગરિક )
23 શિલ્પા પટેલ આણંદ (યુએસ નાગરિક)
24 દિનેશભાઇ પટેલ અમરેલી
25 પૂનમ ઠક્કર (યુએસ નાગરિક)
