રા.લો. સંઘમાં 11 બેઠક બિનહરીફ, 5માં લડાઈ

સર્વસંમતિ સાધવાના છેલ્લી ઘડીના ભાજપના પ્રયાસો નિષ્ફળ: નિર્ણાયક બેઠક સમયે જ બે ઉમેદવારો ગાયબ અને 3માં વાત વટે ચડી ગઈ રાજકોટ – લોધિકા ખરીદ –…

સર્વસંમતિ સાધવાના છેલ્લી ઘડીના ભાજપના પ્રયાસો નિષ્ફળ: નિર્ણાયક બેઠક સમયે જ બે ઉમેદવારો ગાયબ અને 3માં વાત વટે ચડી ગઈ

રાજકોટ – લોધિકા ખરીદ – વેચાણ સંઘની 16 બેઠકની ચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે સત્તાધારી પક્ષ ભાજપમાં સર્વ સંમતિ નહીં થતા 5 બેઠકો ઉપર ચૂંટણી નિશ્ચિત બની છે જ્યારે 11 બેઠકો બિનહરીફ કરવામાં ભાજપના નેતાઓ સફળતા મળી છે.

એશિયાની સૌથી મોટી તાલુકા કક્ષાની આ સહકારી સંસ્થામાં 62 પૈકી 60 મતદારો ભાજપના છે પરંતુ આંતરિક જુથબંધી અને એક બીજાને પાડી દેવાની હરીફાઈમાં સર્વ સંમતિ નહીં થતાં 38 ફોર્મ ભરાયા હતા,ફોર્મ ભરવાના અંતિમ દિવસે નરેન્દ્રસિંહ જાડેજા અને નીતિન ઢાંકેચા તથા વ્યક્તિગત બેઠક ઉપર એકમાત્ર મતદાર ભીખાભાઇ કલોલા બિનહરીફ રહ્યા હતા.

જયારે આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે બીજી 8 બેઠકો ઉપર સહમતિ સધાઈ જતા વધારાના ફોર્મ પાછા ખેંચાયા હતા જ્યારે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાનીના કુવાડવા બ્લોકમાં નીતિન ચોવટિયાએ બળવો કરી ઉમેદવારી પાછી ખેંચી નથી . આ સિવાય મોટામવા-માધાપર બ્લોક , ખોખડદડ,ત્રમ્બા અને હલેન્ડઆ બ્લોકમાં, પણ એકથી વધુ ઉમેદવારો સ્પર્ધામાં રહેતા આ 5 બેઠક ઉપર ચૂંટણી નિશ્ચિત બની છે.

જિલ્લા ભાજપના પ્રભારી અનિરુદ્ધ દવેએ ગઈ કાલે આખો દિવસ ચૂંટણી બિનહરીફ થાય તે માટે પ્રયાસો કર્યા હતા અને ભાજપના તમામ જૂથો સાથે બેઠકો યોજી હતી પરંતુ 3 બેઠકોમાં પેચ ફસાયેલો રહેતા અનિરુદ્ધ દવે મોડી સાંજે નીકળી ગયા હતા. આજે સવારથી જિલ્લા પંચાયત પ્રમુખ બંગલે સ્થાનિક નેતાઓએ પણ ઉમેદવારોને મનાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ બે બેઠકના ઉમેદવારો ગાયબ થઈ ગયા હતા જ્યારે 3 બેઠકમાં વાત વટે ચડી જતા ચૂંટણી નિશ્ચિત બની હતી. આગામી દિવસોમાં કુવાડવા, માધાપર-મોટામવા અને ખોખડદડ બેઠક ઉપર ચૂંટણી યોજાનાર છે ત્યારે હરીફોના પાણી મપાઈ જશે.

ચેરમેનપદના ચોગઠા ગોઠવવામાં ખેંચતાણ
રા.લો.સંઘની ચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ભાજપની બંધ મુઠી ખુલી ગઈ હતી,તમામ ફોર્મ ભાજપના ભરાયા હોવા છતાં 5 બેઠક ઉપર સહમતિ સધાઈ નથી તેની પાછળ ચેરમેનપદના આંકડાની રમત હોવાનું કહેવાય છે.દરેક જૂથ પોતાના માથા વધારી ચેરમેનપદ મેળવવાની ગોઠવાણમાં પડ્યા હોવાથી 5 બેઠકમાં સહમતિ સાધી શકાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *