ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલી મીરાપાર્ક સોસાયટીમાં રહેતા અને જી.આઈ.ડી.સી.માં હેલ્પર તરીકે નોકરી કરતા અશોકભાઈ ચૌહાણ નામના યુવક સાથે ક્રેડિટ કાર્ડ અપાવવાના બહાને રૂૂ. 3.26 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગત તા. 8 જુલાઈ 2026ના રોજ અશોકભાઈના મોબાઈલ પર એક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના કર્મચારી તરીકે આપી હતી અને ખૂબ જ ઓછા ચાર્જવાળું રૂૂપે ક્રેડિટ કાર્ડ આપવાની આકર્ષક ઓફર કરી હતી. અશોકભાઈ તેની વાતોમાં આવી જઈ કાર્ડ મેળવવા સંમત થતાં, ઠગે તેમના વોટ્સએપ પર એક લિંક મોકલી હતી. આ લિંકના માધ્યમથી અશોકભાઈ પાસે તેમના પાન કાર્ડ તથા આધાર કાર્ડના ફોટા અપલોડ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કે.વાય.સી. પ્રક્રિયા પૂર્ણ કરવાના બહાને ચાલબાઝ ઠગે અશોકભાઈના મોબાઈલ પર આવેલો ઓ.ટી.પી.પણ મેળવી લીધો હતો.
ત્યારબાદ 24 કલાકમાં ક્રેડિટ કાર્ડ ઘરે મળી જવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ લાંબો સમય વિત્યા છતાં કાર્ડ ન મળતાં શંકા જતાં અશોકભાઈએ ગત 18 જુલાઈના રોજ પોતાના ક્રેડિટ કાર્ડની હિસ્ટ્રી ચેક કરી હતી. જેમાં 9 અને 10 જુલાઈ દરમિયાન અલગ-અલગ ચાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂૂ.3,26,108ની રકમ ઉપાડી લેવાઈ હોવાનું સામે આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ અશોકભાઈએ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
