તહેવારોના સમયે જ પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ, રાજ્યભરમાં દેકારો

રેશનિંગની દુકાનોમાં જથ્થો છે પણ વિતરણ ન થતા દુકાનદારો-ગ્રાહકો વચ્ચે સંઘર્ષ આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે…

રેશનિંગની દુકાનોમાં જથ્થો છે પણ વિતરણ ન થતા દુકાનદારો-ગ્રાહકો વચ્ચે સંઘર્ષ

આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારી સસ્તા અનાજની દુકાનો પર પર્યાપ્ત જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો છે. પરંતુ, તહેવારોના આ મહત્વના દિવસોમાં જ પુરવઠા વિભાગનું સર્વર ખોરવાઈ જતાં સમગ્ર ગુજરાતમાં હાલાકી ઊભી થઈ છે.સસ્તા અનાજની દુકાનો પર રેશનિંગ આપવા માટે વપરાતા ઈ-પોસ મશીનોમાં છેલ્લા કેટલાક સમયથી ’એરર 3001’ દર્શાવી રહ્યું છે, જેના કારણે મશીનો ચાલુ જ થઈ રહ્યા નથી.

આ ટેકનિકલ ખામીના પરિણામે કાર્ડધારકોને અનાજ વિતરણ કરવાની કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે.અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના તમામ નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ અનાજ મળતું ન હોવાથી ગરીબ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જથ્થો દુકાનોમાં હોવા છતાં સર્વર ડાઉન હોવાના કારણે દુકાનદારો ગ્રાહકોને અનાજ આપી શકતા નથી. પરિણામે ગ્રાહકો અને રેશનિંગ દુકાનદારો વચ્ચે ઘર્ષણ અને બોલાચાલીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.તહેવારોના દિવસો નજીક હોવાથી લોકો તહેવાર ઉજવવા અનાજ લેવા પહોંચી રહ્યા છે, પરંતુ સર્વરના ધાંધિયા તહેવારો પહેલા જ લોકોની મુશ્કેલી વધારી દીધી છે.દુકાનદારો અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા આ અંગે પુરવઠા વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે.

લોકો અને દુકાનદારોની માગણી છે કે ઈ-પોસ મશીનની ’3001’ એરર તાત્કાલિક ધોરણે ઉકેલવામાં આવે અથવા સર્વર સુધરે નહીં ત્યાં સુધી કોઈ વૈકલ્પિક ઓફલાઈન વ્યવસ્થા કરીને અનાજ વિતરણ શરૂૂ કરાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *