ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ પાર્ટીની નેતા પ્રગતિ આહિર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દીધી છે. તેમના વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં એક નાની વયની બાળકીની ઓળખ સોશિયલ મીડિયા પર જાહેર કરવાના આરોપે કેસ નોંધાયો છે. પ્રગતિ આહિરે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તેમણે છ વર્ષની બાળકી પર 13 વ્યક્તિઓ દ્વારા કથિત જાતીય શોષણના કેસને ઉજાગર કર્યો હતો. તેઓ સહકર્મીઓ સાથે બાળકીના નિવાસસ્થાને જઈને સહાય અને કાનૂની માર્ગદર્શન આપવા ગયા હતા.
આ દરમિયાન તેમણે ફેસબુક પર લેખિત પોસ્ટ સાથે ફોટોગ્રાફ્સ અને વીડિયો ક્લિપ્સ અપલોડ કર્યા હતા.અટકોટ પોલીસે એફઆઈઆર નોંધતા જણાવ્યું હતું કે ચહેરા બ્લર કરવામાં આવ્યા હોવા છતાં ફોટા અને વીડિયોમાં પીડિતાના રહેણાંક વિસ્તાર, આસપાસના વાતાવરણ અને પરિવારના સભ્યોના ચિત્રો દેખાતા હતા. આથી બાળકી અને તેના સગાઓની ઓળખ થઈ શકે તેમ હતું. પ્રગતિ આહિરે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે પોસ્ટમાં બાળકીનું નામ, સરનામું, શાળા કે અંગત વિગતો જાહેર કરવામાં આવી નથી. ચહેરા બ્લર કરવાથી તેમની સદ્ભાવના સાબિત થાય છે.
ન્યાયમૂર્તિ એમ.કે. ઠક્કરે સ્પષ્ટ જણાવ્યું કે કાયદો એવા કોઈપણ અહેવાલ, ટિપ્પણી કે ફોટોગ્રાફ પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકે છે, જે બાળકની પ્રતિષ્ઠા કે ગોપનીયતાને નુકસાન પહોંચાડી શકે. મીડિયા બાળકની ઓળખ જાહેર કરી શકે નહીં. કોર્ટે કહ્યું, આ કોર્ટના મતે, નાની વયની જાતીય હુમલાની પીડિતાની ઓળખ જાહેર કરવા બાબતે અરજદાર વિરુદ્ધ પ્રાથમિક કેસ બને છે. આ કેસમાં ટ્રાયલ જરૂૂરી છે અને તે પરિપ્રેક્ષ્યમાં વિવાદિત એફઆઈઆરમાં દખલ કરવાની જરૂૂર નથી.આમ, હાઈકોર્ટે અરજી ફગાવી દઈને કેસમાં ટ્રાયલ ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
