રાજકોટ મહાનગરપાલિકા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે માસ ટ્રાન્સપોર્ટેશન તરફ શહેરીજનો વળે તે માટે મહતમ પ્રયાસ કરી રહ્યુ છે. જેની ફલશ્રુતિ રૂૂપે સિટી અને બીઆરટીએસ બસમાં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બીઆરટીએસ બસ સેવાની વાત કરીએ તો માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી હાલ 36 એસી બસ દોડી રહી છે. અગાઉ ડીઝલ બસ દોડતી હતી. તેના બદલે હાલ તમામ બસ ઇલેક્ટ્રિક કરી નાખવામા આવતા તેનો સીધો ફાયદો મનપાની તિજોરી પર દેખાયો છે. છેલ્લા બે વર્ષથી બીઆરટીએસ આટલા વર્ષો પછી પ્રથમ વખત મનપા માટે કમાઉ દીકરો બની છે. વર્ષે રૂૂ. 1 કરોડ 39 લાખથી વધુનો નફો કરતી થઇ ગઇ હોવાનો હિસાબ ગઇકાલે મળેલા જનરલ બોર્ડમાં અપાયો હતો.
આમતો શહેરની ફરતે બીઆરટીએસ કોરીડોર હોય છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરીડોર કાર્યરત છે. રાજકોટની વાત કરીએ તો આજે આટલા વર્ષો પછી પણ કોરીડોર અધુરો છે. શહેરી ફરતે બીઆરટીએસ ટ્રેક બનાવવાના બદલે હાલ માત્ર માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડીના 11 કી.મી.ના રોડ પર જ બીઆરટીએસ બસ સેવા મળે છે. કુલ 36 ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે.
