જામનગરમાં પ્રેમલગ્નના મામલે ખાર રાખી એક યુવક પર જીવલેણ હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પ્રેમલગ્નનો ખાર રાખી એક યુવક ઉપર પત્નીના ભાઈ સહિત શખ્સોએ લોખંડના પાઇપ, છરી અને પેપર સ્પ્રે વડે જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ…

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પ્રેમલગ્નનો ખાર રાખી એક યુવક ઉપર પત્નીના ભાઈ સહિત શખ્સોએ લોખંડના પાઇપ, છરી અને પેપર સ્પ્રે વડે જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવકના હાથ અને પગમાં ફ્રેક્ચર તેમજ કાન સહિતના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર, સાઈબાબાના મંદિર પાછળ રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા પાર્થ રાજેશભાઈ સોલંકી (ઉંમર 25)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.19ની રાત્રે આશરે દસ વાગ્યાના અરસામાં તે પોતાના ઘર બહાર ઓટલા પાસે મિત્ર પ્રેમભારથી ગોસાઈ અને કુલદિપસિંહ જાડેજા સાથે બેઠો હતો. તે દરમિયાન એક મોટરસાઇકલ પર મયુરસિંહ સંજયસિંહ જાડેજા તથા ઇંદ્રજીતસિંહ ગોહિલ ઉર્ફે પેથો અને એક્ટિવા પર નવલો માજોઠી તથા શબીર ઉર્ફે શબલો બેબો ત્યાં આવ્યા હતા. તેમની પાસે લોખંડના પાઇપ, છરી અને પેપર સ્પ્રે હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ શખ્સોએ પાર્થ તથા તેના મિત્ર પ્રેમભારથીની આંખમાં પેપર સ્પ્રે છાંટ્યો હતો. બનાવથી ગભરાઈ કુલદિપસિંહ ત્યાંથી ભાગી ગયો હતો. પાર્થ રાડારાડી કરતાં તેની માતા સોનલબેન અને પત્ની અસ્મીતાબેન ઘરની બહાર આવતાં તેમના ઉપર પણ પેપર સ્પ્રે છાંટવામાં આવ્યો હતો.

પાર્થ ભાગવાનો પ્રયાસ કરતો હતો ત્યારે નવલા માજોઠીએ લોખંડના પાઇપ વડે તેના ડાબા પગના ગોઠણની નીચેના ભાગે ઘા કર્યો હતો. ત્યારબાદ મયુરસિંહ જાડેજાએ છરી વડે હુમલો કરતાં બચાવ કરવા હાથ આડો ધરતાં તેના જમણા હાથની નાની આંગળી ઉપર ગંભીર ઇજા થઈ હતી. ઇંદ્રજીતસિંહ પેથાએ લોખંડના પાઇપ વડે ડાબા હાથ અને ખભા-વાસાના ભાગે માર માર્યો હતો. આ દરમિયાન એક ઘા ડાબા કાન ઉપર વાગતાં લોહી નીકળ્યું હતું. શબીર ઉર્ફે શબલો બેબોએ પણ ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

દરમિયાન યશ ભાનુશાળી પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે પાર્થને ઢીકાપાટુનો માર માર્યો હતો. આસપાસના લોકો ભેગા થતાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. જતા સમયે મયુરસિંહ જાડેજાએ પાર્થને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ છે.

પાર્થના મિત્ર કુલદિપસિંહે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તેને માતા સોનલબેન તથા કુલદિપસિંહ સાથે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તબીબોએ જમણા હાથની નાની આંગળી ઉપર ગંભીર ઇજા, ડાબા હાથ તથા ડાબા પગના ગોઠણની નીચેના ભાગે ફ્રેક્ચર અને કમરના ભાગે પણ ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. ડાબા હાથના ઓપરેશનની જરૂૂર હોવાનું તેમજ ડાબા હાથના કોણીના ઉપરના ભાગે ત્રણ ટાંકા લેવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પાર્થના જણાવ્યા મુજબ, તેણે આશરે બે મહિના પહેલાં મયુરસિંહ સંજયસિંહ જાડેજાની સગાં બહેન અસ્મિતા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતનો ખાર રાખી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી તેણે મયુરસિંહ જાડેજા, ઇંદ્રજીતસિંહ ગોહિલ ઉર્ફે પેથો, નવલો માજોઠી, શબીર ઉર્ફે શબલો બેબો તથા યશ ભાનુશાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *