ડૂંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

વાંકાનેરમાં રહેતા ખેડૂતનો ડૂંગળીનો પાક નિષ્ફળ જતા રાજકોટ ગ્રાહક અદાલતે બિયારણ કંપનીએ ખેડૂતને રૂા.5 લાખ 7%ના વ્યાજ સાથે અને દાવાના ખર્ચ પેટે રૂા.5 હજાર ચૂકવવા…

વાંકાનેરમાં રહેતા ખેડૂતનો ડૂંગળીનો પાક નિષ્ફળ જતા રાજકોટ ગ્રાહક અદાલતે બિયારણ કંપનીએ ખેડૂતને રૂા.5 લાખ 7%ના વ્યાજ સાથે અને દાવાના ખર્ચ પેટે રૂા.5 હજાર ચૂકવવા આદેશ કર્યો હતો. નીચલી કોર્ટના હુકમ સામે બિયારણ કંપનીએ કરેલી અપીલ ઉચ્ચ અદાલતે ફગાવી દઇ રાજકોટ ગ્રાહક અદાલતનો હુકમ યથાવત રાખ્યો હતો.

આ કેસની હકીકત મુજબ વાંકાનેરમાં રહેતા ઇસ્માઇલભાઇ જલાલભાઇ માથકીયા નામના ખેડૂતે રાણી 999 ડૂંગળીનુ બિયારણ ખરીદ કર્યુ હતુ અને જે બિયારણથી ડૂંગળીનુ વાવેતર કરવામાં આવ્યુ હતું. ડૂંગળીના બિયારણમાં યોગ્ય ગુણવાતાનો અભાવ હોવાથી ડૂંગળીનો સમગ્ર પાક નિષ્ફળ ગયો હતો. ડૂંગળીના બિયારણમાં ખામી હોવા અંગે જૂનાગઢ ખેતીવાડી પ્રયોગશાળા પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું. જેથી ખેડૂત દ્વારા પાક નિષ્ફળ જતા નુકશાની વળતર માટે ઇન્ડો યુએસ બાયોટેક લી. કંપની અમદાવાદ સામે રાજકોટ જિલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને નુકશાની વળતર વ્યાજ સાથે મેળવવા દાદ માંગવામાં આવી હતી. જે કેસ ચાલી જતા રાજકોટ ગ્રાહક અદાલત દ્વારા ડૂંગળીનો પાક નિષ્ફળ જવા મુદ્દે ખેડૂતને રૂા.5 લાખ 7%ના વ્યાજ સાથે અને દાવાના ખર્ચ પેટે રૂા.5 હજાર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો.

જે હુકમ સામે બિયારણ કંપનીએ રાષ્ટ્રીય ગ્રાહક અદાલત દિલ્હી સુધી અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલી જતા ન્યાયમૂર્તિ પી.સી.રાવલની બેંચ દ્વારા બિયારણ કંપનીએ કરેલી અપીલ રદ કરી રાજકોટ ગ્રાહક અદાલતના હુકમને યથાવત રાખતો હુકમ કર્યો હતો.આ કેસમાં ખેડૂત પક્ષે માવાણી લો ફાર્મના રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી, અશોકભાઇ કોયાણ, પંકજભાઇ કોયાણ અને મનોજભાઇ કોટડીયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *