સિરામિક ડાઇ-પ્રિન્ટિંગ મશીનરી સાથે સંકળાયેલા રાજકોટ-મોરબીના 11 વેપારી ઇન્કમટેકસની ઝપટે

ગઇકાલે ઇન્કમટેકસે રાજકોટ અને મોરબીમાં એકસાથે અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. વિદેશી ભંડોળના ટ્રાન્સફર, વિદેશી રોકાણ અને કરચોરીની શંકા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી…

ગઇકાલે ઇન્કમટેકસે રાજકોટ અને મોરબીમાં એકસાથે અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. વિદેશી ભંડોળના ટ્રાન્સફર, વિદેશી રોકાણ અને કરચોરીની શંકા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને વેપારી સમુદાયમાં ચિંતા વ્યાપી છે.

જાણવા મળ્યા મુજબ, આવકવેરા ટીમોએ રાજકોટમાં આશરે સાત અને મોરબીમાં ચાર સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 60થી વધુ વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. તપાસનું મુખ્ય ધ્યાન એવા વેપારીઓ અને કંપનીઓ પર કેન્દ્રિત હતું, જેમના સાથે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, વિદેશી રોકાણ અને સંભવિત મની લોન્ડરિંગની કડીઓ જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.

અધિકારીઓએ હિસાબી નોંધો, બેંક ખાતાં, ડિજિટલ દસ્તાવેજો અને કમ્પ્યુટરના હાર્ડ ડ્રાઇવની તપાસ કરી હતી. આ ઉપરાંત વિદેશી મિલ્કત અને રિયલ એસ્ટેટમાં રોકાણ તેમજ બિનહિસાબી અથવા બેનામી વ્યવહારોની શંકાની પણ તપાસ ચાલી રહી છે.

કાર્યવાહીનો મોટો ભાગ રાજકોટ અને મોરબીમાં એકમો ધરાવતી બે લિમિટેડ કંપનીઓ પર કેન્દ્રિત હતો. આ કંપનીઓ મોરબીની સિરેમિક અને ટાઇલ ઉદ્યોગમાં વપરાતાં મશીનરી અને ડાઈઝના ઉત્પાદનમાં તેમજ ગ્રાફિક પ્રિન્ટિંગમાં રોકાયેલી છે. આવકવેરા ટીમો તેમના નાણાકીય રેકોર્ડ અને ડિજિટલ ડેટાની તપાસ કરી રહી છે, જેમાં કરોડો રૂૂપિયાના બિનહિસાબી વ્યવહારોની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે હજુ સુધી તપાસ કે તેના પરિણામો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. નાણાકીય રેકોર્ડ અને ડિજિટલ ડેટાની ચકાસણી હજુ પણ ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *