ચૂંટણી દરમિયાન કાળા નાણાંના પ્રવાહને રોકવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. કોર્ટે ચૂંટણી પંચ દ્વારા રજૂ કરાયેલા આંકડા પર ધ્યાન આપ્યું અને જણાવ્યું કે 2019 અને 2024ની લોકસભા ચૂંટણી તેમજ 2019થી 2025 દરમિયાન યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં હજારો FIR નોંધાયા છે.
ચૂંટણી પંચના અફિડેવિટમાં જણાવ્યા મુજબ 2019ની લોકસભા ચૂંટણીમાં નોંધાયેલી FIR માં ગુજરાત સૌથી આગળ છે. રાજ્યમાં 35,144 FIR નોંધાયા હતા. તે પછી ઉત્તર પ્રદેશમાં 19,209, મહારાષ્ટ્રમાં 18,928, પશ્ચિમ બંગાળમાં 17,493, રાજસ્થાનમાં 8,652, તેલંગાણામાં 8,550, આંધ્ર પ્રદેશમાં 6,489, તમિલનાડુમાં 5,106, પંજાબમાં 4,869 અને કર્ણાટકમાં 4,609 FIR નોંધાયા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાત ફરી એકવાર સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. અહીં 52,820 FIR નોંધાયા હતા, જે પછી મહારાષ્ટ્રમાં 29,545, પશ્ચિમ બંગાળમાં 27,461, ઉત્તર પ્રદેશમાં 23,645, તેલંગાણામાં 23,087, રાજસ્થાનમાં 12,746, કર્ણાટકમાં 7,588, તમિલનાડુમાં 5,948 અને આંધ્ર પ્રદેશમાં 5,043 FIR નોંધાયા હતા.
વિધાનસભા ચૂંટણીઓના આંકડા પણ ધ્યાન ખેંચે તેવા છે. 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 33,496 FIR સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા. તે પછી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 30,253, 2024ની મહારાષ્ટ્ર ચૂંટણીમાં 26,302 અને 2021ની પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં 25,061 FIR નોંધાયા હતા.
આ FIR ના પરિણામ અંગે પણ આંકડા આપવામાં આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 1,44,030 FIR પૈકી માત્ર 37,215 કેસમાં સજા થઈ હતી, જ્યારે 36,312માં નિર્દોષ જાહેર કરાયા હતા. 2024માં 3,87,430 FIR પૈકી 1,66,044 કેસમાં સજા થઈ હતી, જેને ચૂંટણી પંચે 42.9 ટકાના મહત્વપૂર્ણ સુધારા તરીકે વર્ણવ્યું છે. વિધાનસભા ચૂંટણીઓમાં 2,01,894 FIR પૈકી 40,155માં સજા થઈ હતી.
