પથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યો

જૂનાગઢની ચકચારી ઘટના, બાળકીને વાયર-વેલણથી મારતા શરીરે લાલ ચાંભા થઇ ગયા શહેરના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની માતાએ મારપીટ કરી…

જૂનાગઢની ચકચારી ઘટના, બાળકીને વાયર-વેલણથી મારતા શરીરે લાલ ચાંભા થઇ ગયા

શહેરના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની માતાએ મારપીટ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકી સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. પ્રાથમિક તપાસમાં બાળકીના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. સમગ્ર મામલે બાળ સુરક્ષા વિભાગના અધિકારીની ફરિયાદના આધારે જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળકીની માતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

બાળ સુરક્ષા વિભાગના અધિકારી શીતલબેન મારુના જણાવ્યા અનુસાર, ઘટના સમયે બાળકીની માતા હોસ્પિટલમાંથી ઘરે પરત આવી હતી. આ દરમિયાન 6 વર્ષની બાળકીથી પથારીમાં ટોયલેટ થઈ ગયું હતું. આ બાબતથી ગુસ્સે થયેલી માતાએ બાળકી સાથે મારપીટ કરી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. આરોપ છે કે માતાએ મોબાઇલના કેબલ અને રસોડામાં વપરાતા વેલણથી બાળકીને માર માર્યો હતો.
બાળકી સાથે મારપીટ થતી જોઈ પાડોશમાં રહેતા એક વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બાળ સુરક્ષા વિભાગ સુધી મામલો પહોંચ્યો હતો.

મારપીટ દરમિયાન પાડોશીઓ બાળકીને બચાવવા માટે આગળ આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જોકે, આરોપી માતાએ પાડોશીઓ સાથે પણ બોલાચાલી કરી અને આ પરિવારનો અંગત મામલો હોવાનું જણાવ્યું હોવાનો આક્ષેપ છે. વીડિયો વાયરલ થયા બાદ ઘટનાની ગંભીરતા સામે આવતાં બાળ સુરક્ષા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂૂ કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની જાણ થયા બાદ અમદાવાદ હેડક્વાર્ટર તરફથી જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમને સ્થળ પર પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. ચાઈલ્ડ હેલ્પલાઈનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તેમની ટીમ સાંજે આશરે સવા છ વાગ્યે જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં બાળકી અને તેની માતા મળી આવ્યા હતા. ટીમે બાળકીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં તેણે પોતાની માતા દ્વારા માર મારવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાળકીના શરીરના વાંસા, પગ અને મોઢાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. બાળ સુરક્ષા ટીમે સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ બાળકી અને તેની માતાને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. બાળ સુરક્ષા કલ્યાણ અધિકારીની ફરિયાદના આધારે બાળકી સાથે ક્રૂરતા અને મારપીટના આરોપસર તેની માતા સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન વીડિયો, બાળકીના નિવેદન અને અન્ય સંબંધિત પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાળકી તથા તેના માતા-પિતાને બાળ કલ્યાણ સંબંધિત સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. બાળકીના ભવિષ્ય, સુરક્ષા અને યોગ્ય પાલનપોષણને ધ્યાનમાં રાખીને બાળ કલ્યાણ સમિતિ તથા કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *