સુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિ

સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે ઘરકંકાસમાં પતિએ પત્નીને રીક્ષામાં જ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીનું…

સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે ઘરકંકાસમાં પતિએ પત્નીને રીક્ષામાં જ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી પતિ ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા સઘન તપાસ શરૂૂ કરી છે. આ ઘટનામાં પત્ની છુટાછેડાના કેસમાં મુદતે આવી હતી અને ત્યાંથી પોતાન ઘરે જતી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાંથી પારિવારિક સંબંધોને કલંકિત કરતી અત્યંત સનસનાટીભરી અને ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. વઢવાણના મૂળચંદ રોડ પર આવેલા માનવ મંદિર નજીક છુટાછેડામાં કોર્ટ મુદતે આવેલી પત્ની તેમના માતા સાથે રિક્ષામાં બેસી ઘરે પરત જતી હતી ત્યારે એક નિર્દયી પતિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. ભરબપોરે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને દહેશતનો માહોલ ફેલાયો છે.

પ્રાથમિક વિગતો અનુસાર, મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે રીક્ષામાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. આ વિવાદ એટલી હદે વણસ્યો હતો કે આવેશમાં આવેલા પતિએ અચાનક પોતાની પાસે રહેલી ધારદાર છરી કાઢી પત્ની પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂૂ કર્યું હતું. લોહીલુહાણ હાલતમાં પત્ની જમીન પર ઢળી પડતાં જ આરોપી હત્યારો પતિ ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

છરીના જીવલેણ ઘા શરીરના મહત્વના અંગો પર વાગવાને કારણે મહિલાને અતિશય રક્તસ્ત્રાવ થયો હતો અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને આસપાસના રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓના પગલે સારવાર મળે તે પહેલાં જ પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ વઢવાણ પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા હત્યારા પતિની ધરપકડ કરવા અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *