RMCના ‘રકતપિશાચુ’ સ્વિમિંગ પુલમાં ફરી તરવૈયાનું લોહી રેડાયુ: મેયર-કમિશનર નિંદ્રાધિન

રાજકોટના કાલાવડ રોડ પર આવેલો મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ ખુદ તંત્રના પાપે જ ‘રક્તપિશાચુ’ બની ગયો છે. ગઇકાલે વધુ એક તરવૈયાનું લોહી આ પુલમાં રેડાયુ હતુ.…

રાજકોટના કાલાવડ રોડ પર આવેલો મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ ખુદ તંત્રના પાપે જ ‘રક્તપિશાચુ’ બની ગયો છે. ગઇકાલે વધુ એક તરવૈયાનું લોહી આ પુલમાં રેડાયુ હતુ. તળિયામાં મગરમચ્છના જડબાની જેમ ઉપસી ગયેલી ધારદાર લાદીના લીધે તરવૈયાની પગની આંગળી સહિતના પળિયા ચીરાઇ જતા ગંભીર રીતે લોહી લુહાણ થઇ ગયો હતો. શાસકો અને અધિકારીઓની રીતસરની ગુનાહિત બેદરકારીના પાપે શહેરના કાલાવડ રોડ પર આવેલો આ સ્વિમિંગ પૂલ જાણે કોઈનો બલી લેવાની રાહ જોઈ રહ્યો હોય તેમ મ્યુનિસિપલ કમિશનર, સિટી ઈજનેર અને મેયર સહિતના પદાધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે.

તંત્રના પાપે સોમવારે વધુ એક નિર્દોષ તરવૈયો ગંભીર રીતે લોહીલુહાણ થયો છે. પુલના તળિયે તીક્ષ્ણ લાદીઓને કારણે તરવૈયાના પગના તળિયા ચિરાઈ રહ્યા છે. દરરોજ બની રહેલી આવી લોહિયાળ ઘટનાઓ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, એવું નથી કે આ ગંભીર પરિસ્થિતિ વિશે મ્યુનિસિપલ કમિશનર કે મેયર અજાણ છે. તમામ ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓને આ ભયાનક વાસ્તવિકતાની સંપૂર્ણ જાણ હોવા છતાં, તરવૈયાઓની જિંદગી સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરવામાં આવી રહ્યો છે.

તંત્રની નિર્લજ્જતાની પરાકાષ્ઠા તો ત્યારે સામે આવે છે જ્યારે ડિમોલિશન જેવી કામગીરી વખતે ગરીબ અને બેઘર બનેલા પરિવારો હૈયાફાટ રુદન કરતા હોય છે, અને બીજી તરફ આ જ અધિકારીઓ પ્રજાના લોહી-પસીનાના પૈસે કાજુકતરી અને રજવાડી ભોજનના બેફામ ખર્ચા કરીને જલસા કરે છે. જ્યારે કાલાવડ રોડ સ્વિમિંગ પૂલના અત્યંત જરૂૂરી રીનોવેશન માટે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે સિટી ઈજનેર બજેટ ન હોવાનો જવાબ આપે છે. ‘ન કરે નારાયણ’ ને જો આ સ્વિમિંગ પૂલમાં કોઈ ઉંધા માથે પટકાય અને કોઈ તરવૈયો પોતાનો જીવ ગુમાવે, તો તેની સીધી જવાબદારી કોની રહેશે? શું કોઈનો ભોગ લેવાયા પછી જ કમિશનર અને મેયરની આંખ ટીઆરપીકાંડની જેમ ખુલશે? તંત્રની આ ગુનાહિત બેદરકારી સામે હવે તરવૈયાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

ખાનગી જીમને પાંચ માળનું બનાવવા 19 કરોડનો ખર્ચ પૂલના રિનોવેશનમાં ભેળવી દેવાતા બજેટ વધી ગયુ
કાલાવડ રોડ પરના સ્વીમીંગ પુલમાં ગત ટર્મના એક પુર્વ પદાધિકારીના અંગત મિત્રના જીમનો કોન્ટ્રાકટ હતો. ત્રણ વર્ષ સુધી જીમની લ્હાણી થઇ હતી અને બેફામ ફીની કમાણી કરી. કમાણી જોયને જીમના સંચાલકની લાળ વધુ ટપકી અને પાંચ માળનું હાઇફાઇ જીમ બનાવી સંચાલનના નામે ફરી કબજો જમાવવાનો પ્લાન ગોઠવાયો હતો. પાંચ માળનુ જીમ બનાવવા 19 કરોડના ખર્ચનું એસ્ટિમેટ તૈયાર કરાયુ. અહીં ચાલાકી એવી અપનાવવામા આવી કે સ્વીમીંગ પુલના રિનોવેશનના પ્રોજેક્ટમાં પાંચ માળના જીમનું પ્લાનીંગ ઘુસાડી દેવામા આવ્યુ. પુલના રિનોવેશન માટેના રોજકામ, તૈયાર થયેલી ફાઇલમાં ક્યાય પાંચ માળનું નવુ જીમ બનાવવાનો કોઇ ઉલ્લેખ પણ ન કરાયો. જીમના 19 કરોડના ખર્ચના કારણે ઓવરઓલ સ્વીમીંગ પુલ રિનોવેશનનું બજેટ વધી ગયુ! આ બધા ખેલ વચ્ચે હાલ તો સેંકડો તરવૈયાઓના જીવ ઉપર જોખમ ઉભુ થઇ ગયુ છે.

ડાયાબીટીસના દર્દી એવા તરવૈયાઓ ઘાયલ થઇને થાય છે ગેંગરીનનો શિકાર
સ્વીમીંગ પુલમાં આવતા અનેક એવા તરવૈયાઓ છે કે જેમને ડાયાબિટીસ છે. આ અગાઉ ઘવાયેલા એક તરવૈયાને પણ ડાયાબીટીસ છે અને તળિયા ચિરાયા બાદ હજુ સુધી રુઝ આવી નથી. આ પહેલા પણ ડાયાબીટીસ હોય તેવા બે તરવૈયાને સ્વીમીંગ પુલમાં લોહીલુહાણ થયા બાદ પગમાં ગેંગરીન થઇ ગયાનું પણ જાણવા મળે છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતા રાજકોટવાસીઓની કમનસીબીરૂૂપે મેયર અને મ્યુનિ.કમિશનર કઇ ગંભીરતા લેતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *