બે ફોરેસ્ટ ગાર્ડને 1700 વૃક્ષ વાવી સ્વખર્ચે ત્રણ વર્ષ દેખભાળ કરવાની શરતે જામીન આપતી હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે સોમવારે પર્યાવરણીય ન્યાયનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડતા આદેશમાં ભાવનગર જિલ્લાના પાલિતાણા વન વિસ્તારમાં અનધિકૃત વૃક્ષકાપાના કેસમાં બે ફોરેસ્ટ ગાર્ડને જામીન આપતી વખતે…

ગુજરાત હાઈકોર્ટે સોમવારે પર્યાવરણીય ન્યાયનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડતા આદેશમાં ભાવનગર જિલ્લાના પાલિતાણા વન વિસ્તારમાં અનધિકૃત વૃક્ષકાપાના કેસમાં બે ફોરેસ્ટ ગાર્ડને જામીન આપતી વખતે કુલ 1,700 વૃક્ષો વાવવાની અને ત્રણ વર્ષ સુધી તેની દેખભાળ કરવાની શરત મૂકી છે.

જસ્ટિસ એચ.ડી. સુથારે કલ્પેશ ડાભી અને કરશન ગોહિલને જામીન મંજૂર કરતા આદેશ આપ્યો હતો. આ બંને પાલિતાણા ફોરેસ્ટ રેન્જના રાજસ્થળી બીટમાં ફરજ બજાવતા હતા. જૂન મહિનામાં તેમને એક કોન્ટ્રાક્ટર સાથે મળીને ભારતીય વન અધિનિયમ અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. આરોપ છે કે કોન્ટ્રાક્ટરે વન વિસ્તારમાં 1,690 વૃક્ષો અનધિકૃત રીતે કાપ્યા અને ઉખાડ્યા હતા, અને આ બંને ગાર્ડ્સે તે પ્રવૃત્તિને અવગણી હતી.

કોન્ટ્રાક્ટરને અગાઉ હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જેમાં તેની પાસેથી રૂૂ. 3.60 લાખ વસૂલવામાં આવ્યા હતા. જ્યારે બંને ગાર્ડ્સે જામીન માટે અરજી કરી ત્યારે તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે વન વિભાગ પરવાનગી આપે તો તેઓ પસ્તાવા રૂૂપે વૃક્ષો વાવવા તૈયાર છે.

હાઈકોર્ટે ગુનાની ગંભીરતા અને સંભવિત સજાને ધ્યાનમાં લઈને નોંધ્યું કે આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય તેવો છે અને તેમાં સમય લાગી શકે છે. જામીન મંજૂર કરતા કોર્ટે આદેશ આપ્યો કે બંનેએ ટ્રાયલ કોર્ટ સમક્ષ અંડરટેકિંગ આપવું પડશે કે તેમાંથી દરેકે પોતાના ખર્ચે 850 વૃક્ષો (વનસ્પતિ પ્રજાતિના) વાવવા પડશે. આ વૃક્ષો રાજસ્થળી બીટ અથવા પાલિતાણા ટેરિટોરિયલ રેન્જ (ભાવનગર ડિવિઝન) દ્વારા નિર્દેશિત અનામત વન વિસ્તારમાં વાવવાના રહેશે. આ કામગીરી તેમની વાસ્તવિક મુક્તિના 15 દિવસની અંદર પૂર્ણ કરવાની છે.

વધુમાં, કોર્ટે આદેશ આપ્યો છે કે તેઓ વાવેલા વૃક્ષોની ત્રણ વર્ષ સુધી પોતાના ખર્ચે દેખભાળ કરશે. આ સમગ્ર વૃક્ષારોપણ પ્રવૃત્તિ પાલિતાણા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરની દેખરેખ હેઠળ અને ભાવનગર ડિવિઝનના ડેપ્યુટી ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટની સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવશે. સંબંધિત અધિકારીઓએ ટ્રાયલ કોર્ટ સમક્ષ સમયાંતરે પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો રહેશે. જો વૃક્ષારોપણની શરતનું ઉલ્લંઘન થાય તો જામીન રદ થઈ શકે છે, એમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. આ કેસ મે 2026માં સામે આવ્યો હતો, જ્યારે પાલિતાણા વન વિસ્તારમાં આશરે 1,690થી 1,700 પરિપક્વ વૃક્ષો અનધિકૃત રીતે કાપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તાર સિંહોના કોરિડોર તરીકે પણ મહત્વનો માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *