હનુમાનજી પર કોઇ ટ્રસ્ટનો એકાધિકાર નહીં ચાલે, ‘કષ્ટભંજન’ શબ્દ-ધાર્મિક પ્રતિકો-પ્રસાદ પર માલિકીનો કોઇપણ પ્રયાસ અસ્વીકાર્ય: હેમાંગ રાવલ
વિશ્ર્વપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપ, નામ, ચિત્ર તથા ‘કિંગ ઓફ સાળંગપુર’ના ટ્રેડમાર્ક અને કોપીરાઇટસ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે સવાલો ઉભા કર્યા છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તાજેતરમાં સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા “કિંગ ઓફ સાળંગપુર” પ્રતિમા, વિવિધ ધાર્મિક પ્રતિકો, નામો, ઓળખ અને સંબંધિત બાબતો માટે કોપિરાઇટ તથા ટ્રેડમાર્ક મેળવ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સમગ્ર સનાતન હિંદુ સમાજમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે ભગવાન હનુમાન, તેમના પ્રાચીન વિશેષણો, ધાર્મિક પ્રતિકો, મૂર્તિઓ, પ્રસાદ અને સનાતન પરંપરાઓને ખાનગી બૌદ્ધિક સંપત્તિ તરીકે રજૂ કરવાનો કોઈપણ પ્રયાસ સમગ્ર સનાતન હિંદુ સમાજ માટે ચિંતાજનક છે. ભગવાન હનુમાનનું વર્ણન માત્ર રામાયણમાં જ નહીં પરંતુ મહાભારત, ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, નારદ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, અધ્યાત્મ રામાયણ, આનંદ રામાયણ, અદ્ભુત રામાયણ, રામચરિતમાનસ, હનુમાન ચાલીસા, હનુમાન ઉપનિષદ અને અસંખ્ય ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. ભગવાન હનુમાન કોઈ એક ટ્રસ્ટ, સંસ્થા કે વ્યક્તિની રચના નથી, પરંતુ હજારો વર્ષોથી કરોડો હિંદુઓની શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે.
“કષ્ટભંજન”, “સંકટમોચન”, “બજરંગબલી”, “મહાવીર”, “રામદૂત”, “પવનપુત્ર”, “અંજનેય”, “મારુતિ” અને અન્ય અનેક વિશેષણો સદીઓથી ભગવાન હનુમાન માટે વપરાતા આવ્યા છે. તે જ રીતે ભગવાન ગણેશ માટે “વિઘ્નહર્તા”, ભગવાન શિવ માટે “ભોળેનાથ” અને ભગવાન કૃષ્ણ માટે “ગોપાલ” જેવા શબ્દો સમગ્ર હિંદુ સમાજની સામૂહિક ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર છે.
આવા શબ્દો કોઈ સંસ્થાએ સર્જેલા બ્રાન્ડ નથી, પરંતુ સનાતન ધર્મની જીવંત પરંપરાનો અભિન્ન ભાગ છે.વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન પ્રશ્ન ઉઠાવે છે કે જો આજે “કષ્ટભંજન” જેવા ધાર્મિક વિશેષણો અથવા તેની સાથે જોડાયેલા પ્રતિકો પર વિશિષ્ટ અધિકારનો દાવો કરવામાં આવશે, તો આવતીકાલે “સંકટ મોચન”, “બજરંગબલી”, “વિઘ્ન હર્તા”, “સિદ્ધિવિનાયક”, “ભોળે નાથ”, “મહાદેવ”, “ગોવિંદ” અને “ગોપાલ” જેવા અન્ય પ્રાચીન ધાર્મિક શબ્દો અંગે પણ સમાન દાવા થઈ શકે.
શું સનાતન ધર્મના હજારો વર્ષ જૂના ધાર્મિક શબ્દો અને પ્રતિકો ધીમે ધીમે ખાનગી માલિકીના દાવા હેઠળ લઈ જવામાં આવશે?આજે ગુજરાત, ભારત અને વિશ્વના અનેક દેશોમાં કષ્ટભંજન હનુમાનજીના મંદિરો આવેલી છે. લાખો ભક્તો પોતાના ઘરોમાં કષ્ટભંજન દેવની પ્રતિમાઓ સ્થાપિત કરે છે. હજારો મૂર્તિકારો આવી પ્રતિમાઓનું નિર્માણ કરે છે.
જો કષ્ટભંજનદેવના નામ, પ્રતિકો, પ્રસાદ અથવા સ્વરૂૂપો અંગે કોપિરાઇટ અને ટ્રેડમાર્કના દાવાઓ કરવામાં આવે છે, તો શું ભવિષ્યમાં અન્ય મંદિરો, મૂર્તિકારો, પ્રકાશકો, ભજન મંડળો અને ભક્તોને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? શું અન્ય કષ્ટભંજન મંદિરોને પણ લાયસન્સ લેવું પડશે? આવા પ્રશ્નોના જવાબ સમગ્ર હિંદુ સમાજ માંગે છે.વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે પ્રસાદ કોઈ કોમર્શિયલ પ્રોડક્ટ નથી. પ્રસાદ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતિક છે. તે જ રીતે દેવતાઓના નામો, પ્રાચીન વિશેષણો અને ધાર્મિક પ્રતિકો કરોડો ભક્તોની સામૂહિક આસ્થાનો વિષય છે. તેથી આવા મુદ્દાઓને ટ્રેડમાર્ક અને કોપિરાઇટના માધ્યમથી નિયંત્રિત કરવાનો કોઈપણ પ્રયાસ ધાર્મિક ક્ષેત્રમાં અનાવશ્યક વિવાદો ઊભા કરી શકે છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની સાળંગપુર મંદિર ટ્રસ્ટ સમક્ષ માંગણીઓ
* તમામ ટ્રેડમાર્ક અને કોપિરાઇટ નોંધણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે.
* ટ્રેડમાર્ક નંબર, કોપિરાઇટ નંબર અને અરજીની નકલો જાહેર કરવામાં આવે.
* “કષ્ટભંજન”, “કિંગ ઓફ સાળંગપુર”, ધાર્મિક પ્રસાદ, પ્રતિમા અને અન્ય પ્રતિકો અંગે ચોક્કસપણે શું નોંધાયું છે તે સ્પષ્ટ કરવામાં આવે.
* સામાન્ય ભક્તો, અન્ય મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, પ્રકાશકો, મૂર્તિકારો અને ભજન મંડળોના ધાર્મિક ઉપયોગ પર કોઈ અસર નહીં થાય તેવી જાહેર ખાતરી આપવામાં આવે.
* આ સમગ્ર પ્રક્રિયામાં ટ્રસ્ટના કેટલા નાણાં ખર્ચાયા તેની વિગતો જાહેર કરવામાં આવે.
* ટ્રસ્ટી મંડળના સંબંધિત ઠરાવોની નકલો જાહેર કરવામાં આવે.
