રાજકોટમાં પ્રથમવાર કોર્પોરેશન કરશે સાર્વજનિક મટકીફોડનું આયોજન

ઉત્સવપ્રિય અને રંગીલા રાજકોટના નાગરિકો માટે આગામી જન્માષ્ટમીનો તહેવાર બેહદ ખાસ અને યાદગાર બનવા જઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતા માટે સૌ પ્રથમ…

ઉત્સવપ્રિય અને રંગીલા રાજકોટના નાગરિકો માટે આગામી જન્માષ્ટમીનો તહેવાર બેહદ ખાસ અને યાદગાર બનવા જઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતા માટે સૌ પ્રથમ વખત એક અત્યંત જાજરમાન અને ધમાકેદાર ’સાર્વજનિક મટકીફોડ’ કાર્યક્રમનું આયોજન કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.

મેયર ડો. નેહલ શુક્લના જણાવ્યા અનુસાર, જેવી રીતે મુંબઈમાં ભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન થાય છે અને મથુરા, વૃંદાવન તેમજ રાજસ્થાન જેવા સ્થળોએ વિખ્યાત સાર્વજનિક મટકીફોડનો ઉત્સાહ જોવા મળે છે, તે જ તર્જ પર હવે રાજકોટમાં પણ પ્રથમ વખત આવો ધર્મમય અને ભવ્યાતિભવ્ય મટકીફોડ કાર્યક્રમ યોજીને શહેરીજનોને એક અનોખી ભેટ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ભવ્ય આયોજનને આકર્ષક બનાવવા માટે 30 થી 40 ફૂટ જેટલી આકાશી ઊંચાઈએ મટકી બાંધવામાં આવશે. આ મટકીને ફોડવામાં અત્યંત પારંગત અને નિષ્ણાત એવા વિશેષ ’ગોવિંદા મંડળ’ને આમંત્રિત કરીને તેમની પાસે મટકી ફોડાવવાનું આયોજન નક્કી કરવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ સંખ્યામાં રાજકોટના શહેરીજનો આ ધર્મમય અને ઉત્સાહવર્ધક પ્રસંગમાં એકસાથે જોડાઈ શકે તે હેતુથી શહેરની કોઈ મોટી અને વિશાળ જગ્યા પસંદ કરીને ત્યાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવશે. જેથી દરેક નાગરિક આ રોમાંચક દ્રશ્યનો સહેલાઇથી આનંદ માણી શકે.

મટકીફોડની સાથો મહિલાઓ માટે વિશેષ રાસ-ગરબાનું આયોજન કરવાની પણ વિચારણા ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આ નવીનતમ પગલાથી શહેરના ઉત્સવપ્રેમી નાગરિકોને પ્રથમ વખત જ આ પ્રકારના ભવ્ય અને સાંસ્કૃતિક નજરાણાનો અદભૂત લ્હાવો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *