રાજકોટ નજીક આવેલા કુવાડવામાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ પૈસાની લેતી દેતીમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રાજકોટમાં પ્લોટના સોદાના નાણા નહીં મળતા યુવાને પગલું ભર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કુવાડવા ગામે રહેતા ભરતભાઇ દુલાભાઇ ગઢવી નામના 30 વર્ષનો યુવાન સવારના અગીયારેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો. ત્યારે એસિડ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર ભરત ગઢવી તેના માતા-પિતાનો આધાર સ્થંભ એકનો એક પુત્ર છે અને તેને ચાર મહિનાની એક પુત્રી છે. ભરત ગઢવી જમીન મકાનનો ધંધો કરે છે. ભરત ગઢવીએ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલા પ્લોટનો સોદો કર્યો હતો. જેના પ્રતિક પટેલ પાસેથી લેવાના નીકળતા રૂા.15 થી 17 લાખ નહીં મળતા ભરત ગઢવીએ એસિડ પી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
