સુરતના નાસીરનગર ભૂતિયા ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ બાદ મંગળવારે મોડીરાત્રે સુરત મનપા કમિશનર એસ. નાગરાજનની બદલી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે મનપા કમિશનરની બદલી કર્યા બાદ કલેક્ટર તેજસ પરમારને વધારાનો ચાર્જ સોંપ્યો છે.
સુરતના બહુચર્ચિત નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં પાલિકાની ભૂમિકા અંગે ઊભા થયેલા ગંભીર સવાલો, ડિમોલિશન અંગેની રજૂઆતમાં આવેલા વિરોધાભાસ અને હાઈકોર્ટનું કડક વલણ વચ્ચે રાજ્ય સરકારે મોડી રાત્રે મોટો વહીવટી નિર્ણય લીધો છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ સુરત પાલિકા કમિશનર એમ. નાગરાજન એમ.ની બદલી કરી તેમને સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે સુરતના કલેક્ટર તેજસ પરમારને પાલિકા કમિશનરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. નાસીર નગર પ્રકરણની કોર્ટ કાર્યવાહી બાદ જ આ નિર્ણય આવતા વહીવટી વર્તુળોમાં તેની ભારે ચર્ચા શરૂૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવાદનું કેન્દ્ર બનેલું નાસીરનગર ડિમોલિશન પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું છે.
ડિમોલિશનની કાર્યવાહી અને તેમાં જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટનું વલણ કડક રહ્યું હતું. ડિમોલિશન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવા અંગે પણ કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પાલિકાની કામગીરી અને જવાબદારી અંગેના સવાલ વધુ ઘેરા બન્યા હતા.
નાસીરનગરમાં ડિમોલિશન થયા બાદ શરૂૂઆતમાં પાલિકા દ્વારા આ કાર્યવાહી પાલિકાએ કરી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, બાદમાં પાલિકા કમિશનર એમ. નાગરાજને ડિમોલિશન પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું સ્વીકાર્યું હતું. શરૂૂઆત રજૂઆત અને બાદમાં કરવામાં આવેલા સ્વીકાર વચ્ચેના વિરોધાભાસને કારણે પાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. આ પ્રકરણમાં બે કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને જયાંગ રામજીવાલા સહિત કુલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દરમિયાન સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં ડિમોલિશનની કાર્યવાહી પાલિકા કમિશનરની સૂચનાથી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ રજૂઆત બાદ પ્રકરણ વધુ ગૂંચવાયું હતું અને ડિમોલિશનની જવાબદારી તેમજ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે ચર્ચા તેજ બની હતી.
