દેશભરમાંથી ‘તિરંગા’નો ઓર્ડર, 20થી મોટા ઉત્પાદકો-વેપારીઓ અને અનેક કારીગરો રાત-દિવસ કાર્યરત
તિરંગાનું પ્રિન્ટિંગ, રંગોની ચોકસાઇ, કાપડની ગુણવતા ફિનિશિંગમાં વિશેષ ધ્યાન અપાય છે
સ્વતંત્રતા દિવસ નજીક આવતાં જ દેશભરમાં ’હર ઘર તિરંગા’ અભિયાનનો માહોલ વધુ ગાઢ બન્યો છે. દેશના દરેક ખૂણે તિરંગો લહેરાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતનું ટેક્સટાઇલ હબ ગણાતું સુરત રાષ્ટ્રધ્વજના ઉત્પાદન માટે મહત્વનું કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે. 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સુરતના વિવિધ ટેક્સટાઇલ ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા મોટા પાયે તિરંગાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાંથી મળેલા ઓર્ડરોને પૂર્ણ કરવા માટે ટેક્સટાઇલ યુનિટો, પ્રિન્ટિંગ એકમો, સિલાઈ કામદારો અને અન્ય કારીગરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. વેપારીઓના અંદાજ મુજબ આ સિઝનમાં સુરતમાંથી દેશના વિવિધ વિસ્તારોમાં લાખો-કરોડોની સંખ્યામાં રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં આવી રહ્યા છે.
સુરતના કાપડ ઉદ્યોગમાં તિરંગા માટેની માંગ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત રહી નથી. દેશના વિવિધ રાજ્યોમાંથી ખાસ કરીને પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી રાષ્ટ્રધ્વજની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી કાર્યક્રમો ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, એનજીઓ, રાજકીય સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા પણ મોટી સંખ્યામાં તિરંગાની ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ઉત્પાદનથી લઈને પેકિંગ અને ડિસ્પેચ સુધીની સમગ્ર પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.
સુરતમાં તૈયાર થતા તિરંગામાં સ્થાનિક કાપડ અને યાર્નનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ’મેડ ઇન ઇન્ડિયા’ની ભાવનાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. બજારમાં રાષ્ટ્રધ્વજ વિવિધ કદમાં ઉપલબ્ધ છે. જોકે વેપારીઓના જણાવ્યા પ્રમાણે 20 ઇંચ ડ્ઢ 30 ઇંચના તિરંગાની માંગ જોવા મળી રહી છે. ઘર, દુકાન અને નાની સંસ્થાઓ માટે આ કદના તિરંગાની ખરીદી મોટા પ્રમાણમાં થઈ રહી છે. જ્યારે સરકારી કાર્યક્રમો, રેલીઓ, જાહેર કાર્યક્રમો અને મોટી સંસ્થાઓ માટે અલગ-અલગ કદના ધ્વજના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રધ્વજ સાથે દેશની લાગણી અને ગૌરવ જોડાયેલું હોવાથી ઉત્પાદકો દ્વારા તેની ગુણવત્તા અંગે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. તિરંગાની પ્રિન્ટિંગ, રંગોની ચોકસાઈ, કાપડની ગુણવત્તા, સિવણ અને તૈયાર માલના ફિનિશિંગની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રિન્ટિંગમાં કોઈ ભૂલ ન થાય, સિવણ યોગ્ય હોય અને તૈયાર તિરંગો યોગ્ય રીતે પેકિંગ કરવામાં આવે તે માટે ઉત્પાદકો દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં તિરંગાના ઉત્પાદન અને પ્રિન્ટિંગ સાથે 20થી વધુ મોટા ઉત્પાદકો અને વેપારીઓ સીધી રીતે જોડાયેલા છે. ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયામાં તેમની સાથે મોટી સંખ્યામાં નાના ઉત્પાદકો, સિલાઈ યુનિટો, પ્રિન્ટિંગ એકમો અને કારીગરો પણ સંકળાયેલા છે.
કાપડ તૈયાર કરવાથી લઈને કટિંગ, પ્રિન્ટિંગ, સિલાઈ, ફિનિશિંગ, પેકિંગ અને ડિસ્પેચ સુધીની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં લોકો રોજગારી સાથે જોડાયા છે. તિરંગાની વધતી માંગને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આ સિઝનમાં મોટો વેપાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓના અંદાજ પ્રમાણે રાષ્ટ્રધ્વજના ઉત્પાદન અને સંબંધિત વ્યવસાયમાંથી ₹200 કરોડથી ₹300 કરોડ કે તેથી વધુનો વેપાર થવાની શક્યતા છે. આ આંકડો માત્ર રાષ્ટ્રધ્વજના વેચાણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ કાપડ, યાર્ન, પ્રિન્ટિંગ, સિલાઈ, પેકિંગ, પરિવહન અને અન્ય સહાયક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.
વેપાર કરતાં પણ મોટી ’દેશસેવા’ની લાગણી
વેપારીઓ અને કારીગરો માટે આ સિઝન માત્ર વ્યાપારિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ નથી. રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ દેશની લાગણી અને ગૌરવ સાથે જોડાયેલું હોવાથી ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાપડ ઉદ્યોગમાં કામ કરતા લોકો માટે પોતાના હાથથી તૈયાર કરેલો તિરંગો દેશના અલગ-અલગ ભાગોમાં પહોંચે અને સ્વતંત્રતા દિવસના અવસરે ઘરો તથા જાહેર સ્થળોએ લહેરાય તે ગૌરવની બાબત બની છે. આ રીતે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં હાલ એક તરફ કરોડો રૂૂપિયાના વેપારની આશા છે, તો બીજી તરફ તિરંગાના ઉત્પાદન દ્વારા દેશભક્તિની લાગણી પણ જોવા મળી રહી છે.
