રાજકોટના ટ્રાન્સપોર્ટનો રૂા.2.37 કરોડના બ્રાસ સ્ક્રેપ ઓળવી જનાર ટ્રકચાલક ક્લિનર ઝડપાયા

ઢેબર રોડ પર આવેલ શ્યામ ટ્રાન્સપોર્ટ નામની પેઢીને જામનગર પહોંચાડવાનો રૂૂ. 2.37 કરોડનો 25 ટન જેટલો બ્રાસ સ્ક્રેપનો માલ ટ્રક ચાલક મનોહરસિંગ કરણસિંગ (રહે. જોધપુર,…

ઢેબર રોડ પર આવેલ શ્યામ ટ્રાન્સપોર્ટ નામની પેઢીને જામનગર પહોંચાડવાનો રૂૂ. 2.37 કરોડનો 25 ટન જેટલો બ્રાસ સ્ક્રેપનો માલ ટ્રક ચાલક મનોહરસિંગ કરણસિંગ (રહે. જોધપુર, રાજસ્થાન) અને ક્લિનર પ્રતાપસિંગ ઓળવી ગયાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.

ટ્રાન્સપોર્ટ પેઢીની રાજકોટ ઓફિસમાં બે ટન માલ ઉતારી બાકીનો 25 ટન માલ જામનગરની પેઢીઓને પહોંચાડ્યો જ નહોતો.આ ઘટનામાં પીઆઇ જે.ડી.પરમાર અને સ્ટાફે બંને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા.

વધુ વિગતો મુજબ,ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજર પૃથ્વીરાજસિંહ જાડેજા (ઉ.વ. 35, રહે. હડમતાળા, તા. ગોંડલ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તેની ટ્રાન્સપોર્ટ પેઢીના માલિક નિતિનભાઈ રૂૂડકીવાળા દિલ્હી રહે છે. પેઢીની મેઈન ઓફિસ દિલ્હીમાં જ્યારે પેટા ઓફિસ અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં છે. તેની પેઢી એક પાર્ટીનો માલ બીજી પાર્ટીને પહોંચાડવાનું કામ કરે છે અને માલ પહોંચે ત્યાં સુધીની તમામ જવાબદારી તેની પેઢીની હોય છે.

ગઈ તા. 31ના રોજ દિલ્હીની ઓફિસ ખાતેથી રાજસ્થાન પાસિંગના ટ્રકમાં 27 ટન બ્રાસ સ્ક્રેપનો માલ રાજકોટ મોકલાવાયો હતો. જેમાંથી બે ટન માલ રાજકોટની જુદી-જુદી પાર્ટીનો હોવાથી પેઢીની ઓફિસે તે માલ ઉતાર્યો હતો. બાકીનો 25 ટન માલ જામનગરની જુદી-જુદી 12 પેઢીનો હતો, જેથી તે માલ રાજકોટથી જામનગર રવાના કરાયા બાદ ત્યાં પહોંચ્યો ન હતો.

ટ્રક ચાલક અને ક્લિનરને કોલ કરતા બંનેના મોબાઈલ ફોન બંધ આવતા હતા. ગાડી ચેક કરતા તેમાંથી જામનગરની જે જે પાર્ટીનો માલ હતો તેની ફાઈલ મળી આવી હતી. આ રીતે ડ્રાઈવર અને ક્લિનરે કોઈપણ જગ્યાએ માલ ખાલી કરી સગેવગે કરી નાખતા બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે હવે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *